વિદેશની કમાણીના મોહાંધમાં છેતરપિંડીનો સિલસિલો યથાવત્ : વિઝા પ્રોસેસ માટે મેળવેલા રૂપિયામાંથી 5.76 લાખનું બૂચ મારી દેનારા 3 ઇસમો સામે ફરિયાદ
પોરબંદર, : પોરબંદર પંથકમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી માતબર રકમ પડાવી લઇ છેતરવાનો સિલસિલો યથાવત્ છે. આવો વધુ એક કિસ્સો નોંધાયો છે જેમાં બલ્ગેરીયામાં નોકરી આપવાની લાલચ આપી પોરબંદરના મામા-ભાણેજ સાથે ત્રણ ઇસમોએ 5.76 લાખની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના છાયા પ્લોટમાં આવેલા ખડા વિસ્તારમાં વેલજી મહારાજની વાડી ખાતે રહેતા અને ડ્રાઇવીંગ કરીને ગુજરાન ચલાવતા રામદે કરશન ઓડેદરા (ઉ.વ. 46) તથા તેમનો ભાણેજ જયેશ અજય ભોગેસરાને વિદેશમાં નોકરી કરવાની ઇચ્છા હોવાથી એજન્ટ રાજેશ રામ પરમારનો સંપર્ક કર્યો હતો અને બલ્ગેરીયાની એચ.વી.ડી. મીરામાર હોટલમાં 4- 5 મહિનામાં નોકરી મળી જશે તેવું જણાવતાં મામા-ભાણેજ આ ચક્રવ્યૂહમાં ફસાયા હતા.
વીઝાની પ્રોસેસ માટે વિવિધ જુદી-જુદી ફી તથા પૈસા ચૂકવવાનું કહેતા કટકે-કટકે સાત લાખથી વધુ રકમ ચૂકવી દીધી જેમાં રામદેભાઇ પાસે પૈસાની સગવડ ન હોઇ નાણા વ્યાજે લઇ આ રકમ આપી હતી. જેનો છ મહિનાનો સમય વીતી ગયા પછી પણ એજન્ટ દ્વારા ટિકિટ મોંઘી છે, બલ્ગેરીયામાં રહેવાની વ્યવસ્થા નથી તેવા બહાના બતાવવા લાગતા અંતે રામદેએ પોલીસ ફરિયાદનું કહેતા એજન્ટે દોઢ લાખ પરત કર્યા પરંતુ બીજા રૂપિયા ન આપતા 5 લાખ 76,000 રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનો રાજેશ રામ પરમાર, સુરતના મિલન ગજેરા અને ઉદય જયસુખ માલવીયા સામે ગુનો નોંધાયો છે.


