Get The App

કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ 1 - image


Container Found In Kutch Coast: કચ્છના અબડાસાના દરિયાઈ વિસ્તારમાં બિનવારસી કન્ટેઇનર મળવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે સાંધણ દરિયાકાંઠે સોમવારે (11મી ઑગસ્ટ) વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું છે. આ મામલે કોસ્ટગાર્ડ અને પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા આ કન્ટેઇનરની તપાસ હાથ ધરવામાં છે. નોંધનીય છે કે, ગુરુવારે (7 ઑગસ્ટ) સૈયદ સુલેમાન પીર અને શિયાળબારીના દરિયાકાંઠા વિસ્તારમાં કન્ટેઇનર તણાઈ આવ્યું હતું. 

કન્ટેઇનરને બહાર કાઢવા વિવિધ એજન્સીઓ કામે લાગી

મળતી માહિતી અનુસાર, અબડાસા તાલુકાના સાંધણ દરિયાકાંઠેથી સોમવારે પણ એક કન્ટેઇનર તણાઈ આવ્યું હતું. આ અગાઉ રવિવારે (10મી ઑગસ્ટ) સુથરીના દરિયાકાંઠે એક કન્ટેઇનર તણાઈ આવ્યું હતું. આ સિવાય ગુરુવારે સૈયદ સુલેમાન પીર અને શિયાળબારીના દરિયાકાંઠે કન્ટેઇનર તણાઈ આવ્યું હતું. હાલ આ કન્ટેઇનર બહાર કાઢવા મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ, અધિકારીઓ અને અબડાસા મામલતદારે પણ સ્થળ પર જઈ વિગતો મેળવી હતી. કન્ટેઇનરને બહાર કાઢવા વિવિધ એજન્સીઓ કામે લાગી છે. કારણ કે, કન્ટેઇનર વજનદાર છે અને દરિયામાં ક્રેન પહોંચી શકે તેમ નથી. જેથી બોટ દ્વારા પણ તેને કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. એજન્સીઓએ કન્ટેઇનરની દેખરેખ માટે કાંઠે બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સોમનાથ નજીક દરિયામાંથી કન્ટેઇનર તણાઈ આવ્યું હતું

અગાઉ ગીર સોમનાથના લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેઇનર તણાઈને આવ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેઇનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ ગીર સોમનાથ એસઓજી, એલસીબી, મામલતદાર અને કસ્ટમ્સ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ કન્ટેઇનરને દરિયા કિનારે લાવવાની કામગીરીમાં જોડાઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ કન્ટેઇનર કોઈ કાર્ગો શિપમાંથી દરિયામાં પડી ગયું હોઈ શકે.

Tags :