Get The App

મહુધાના નાની ખડોલના તળાવમાં ગામનો કચરો ઠલવાતા અસહ્ય દુર્ગંધ

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
મહુધાના નાની ખડોલના તળાવમાં ગામનો કચરો ઠલવાતા અસહ્ય દુર્ગંધ 1 - image


- વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં

- ગ્રામજનો ગંદકીમાં રહેવા મજબૂર : એક ફૂટ બહાર ગટર લાઈન નંખાતા ગંદા પાણીનો નિકાલ અટક્યો

ડાકોર : મહુધા તાલુકાના નાની ખડોલ ગામમાં પ્રવેશદ્વાર સમાન તળાવમાં આખા ગામની ગંદકી, કચરો ઠાલવવામાં આવે છે. ત્યારે ગામમાં રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે.

મહુધાના નાની ખડોલ ગામમાં પ્રવેશ કરતા ડાબી બાજુ આવેલા તળાવમાં ગામનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. પાણીમાં કચરો ક્હોવાતા અસહ્ય દુર્ગંધ ફેલાય છે. ગામમાં આવતા- જતા લોકો દુર્ગંધના કારણે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. તળાવમાં ક્હોવાયેલા કચરાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. ગામમાં કેટલાક વિસ્તારમાં જમીનથી એક ફૂટ બહાર ગટર લાઈન નાખવામાં આવી હોવાથી ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. આ અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ લવાતું નથી. 

ત્યારે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ તપાસની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. 

મારા સમયમાં કામ થયું ન હોવાથી જોવું પડશે : સરપંચ

આ બાબતે ગામના સરપંચ જમાલમિયાં મલેકે જણાવ્યું હતું કે, હું હમણાં જ સરપંચ બન્યો છું. મારા સમયમાં કામ થયેલું નથી, માટે જોવું પડશે. 

મહિનાથી ચાર્જમાં છું, તપાસ કરવી પડશે : તલાટી

આ બાબતે તલાટી ખુશદિલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હું એક મહિનાથી જ ચાર્જમાં છું. મારે તાપસ કરવી પડશે. 

Tags :