Get The App

ઉમરેઠ- સુંદલપુરા બ્રિજનું કામ 3 વર્ષથી ખોરંભે : આણંદ જિલ્લામાંથી વડોદરા જવા 15 કિ.મી.નો ફેરો

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ઉમરેઠ- સુંદલપુરા બ્રિજનું કામ 3 વર્ષથી ખોરંભે : આણંદ જિલ્લામાંથી વડોદરા જવા 15 કિ.મી.નો ફેરો 1 - image


- અમદાવાદની અમર કન્સ્ટ્રક્શનને 24 કરોડના ટેન્ડરથી કામ બાદ ગોકળગતિએ કામગીરી

- સર્વિસ રોડ નહીં બનાવાતા બિસ્માર રસ્તે પર રોજ ૩ હજારથી વધુ વાહન ચાલકો પસાર થવા મજબૂર : તંત્રની રહેમ નજર હેઠળ કામ લટતું રખાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

આણંદ : ઉમરેઠ- સુંદલપુરા બ્રિજની કામગીરી ત્રણ વર્ષથી ખોરંભે પડતા સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. બ્રિજની આસપાસ સર્વીસ રોડ નહીં બનાવાતા સ્થાનિકો બિસ્માર રસ્તા પરથી પસાર થઈ હાલાકી ભોગવી રહ્યા છે. આણંદ જિલ્લામાંથી વડોદરામાં જતા લોકોને ૧૫ કિ.મી. ફરીને જવાનો વારો આવતા સમય અને નાણાંનો વેડફાટ થતા આક્રોશ ફેલાયો છે. 

ઉમરેઠ-સુંદલપુરા બ્રીજનું ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ વડોદરા ઝોન દ્વારા અમર કન્સ્ટ્રક્શનને ૨૪ કરોડના કામનું ટેન્ડર આપ્યું હતું. બ્રીજનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ગોકળગતિએ ચાલતા સુંદલપુરા વિસ્તારના ૨૦ ગામોના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. એજન્સી દ્વારા બ્રીજની આસપાસ સર્વીસ રોડ પણ નહીં બનાવવામાં આવતા રોજના ૩૦૦૦થી વધુ વાહનચાલકો ૧૫ કિલોમીટર ગોળ ફરીને આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં અવરજવર કરવા મજબૂર બન્યા છે. 

ઉમરેઠની આસપાસના ગામના સ્થાનિકો પણ પણ બ્રીજની બાજુના ઉબડ-ખાબડ રોડ પરથી પસાર થવાના પરિણામે વાહનોમાં ખામી, અકસ્માતનો ભય, સમયનો વેડફાટ સહિતની પરેશાની ભોગવી રહ્યા છે. હાલ કામગીરી અધુરી અને બંધ હોવાથી બ્રીજની હાલત ખંઢેર જેવી થઈ જવા પામી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. બ્રીજ બનાવવાની કામગીરીની સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ અમર કન્સ્ટ્રક્શન કંપનીને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ લિ. દ્વારા બે વખત સમયમર્યાદામાં વધારો કરવા છતાં પણ હજુ બ્રીજ સંપૂર્ણ તૈયાર થયો નથી. ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ બોર્ડના અધિકારીઓની રહેમનજરને કારણે એજન્સી દ્વારા કામ લટકતુ મુકાયું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. 

રેલવે વિભાગે ડિઝાઈન આપવાનું મોડું કરતા કામગીરી અટકી : એજન્સી

આ અંગે અમર કન્સ્ટ્રક્શન એજન્સીના માલિક નિરવ પટેલે જણાવ્યું હતું કે, રેલ્વેના અધિકારીઓ દ્વારા આગળની ડિઝાઈન આપવામાં મોડું કરાતું હોવાને કારણે કામગીરી અટકી પડી છે. ટેન્ડરમાં દર્શાવ્યા મૂજબ સર્વીસ રોડ બ્રીજની કામગીરી પૂર્ણ થયા પછી બનાવવામાં આવશે. 

સુપરવાઈઝરે સંપર્ક કરવાનું ટાળ્યું : 24 કરોડનુબ્કામ હોવાનું મેસેજથી જણાવ્યું

બ્રિજનું સુપરવિઝન કરતા બરોડા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઝોનના એન્જિનિયર સુમિત પ્રજાપતિને વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં ફોન ઉપાડયો ન હતો. અમર કન્સ્ટ્રક્શન એજન્સીને બ્રિજનું કામ ૨૪ કરોડના ખર્ચે ટેન્ડરથી સોંપ્યાનું મેસેજથી જણાવ્યું હતું.

Tags :