Get The App

ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે ૩.૩૮ કરોડના ટ્રાન્જેકશન કરીને ક્રિપ્ટો મારફતે દૂબઇ મોકલ્યા

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે ૩.૩૮ કરોડના ટ્રાન્જેકશન કરીને ક્રિપ્ટો મારફતે દૂબઇ મોકલ્યા 1 - image

- બેંક એકાઉન્ટ સાઇબર ગઠિયાઓને વાપરવા માટે આપીને શખ્સોએ નાણા સગેવગે કર્યા 

- શખ્સો દ્વારા નાણા સગેવગે કરવાના કેસમાં રાજયોમાં ૩૭ ફરિયાદ નોંધાઇ, ત્રણ આરોપીની ધરપકડ, મુખ્ય સુત્રધામર સહિત બે શખ્સો વિદેશ ભાગી જવાની આશંકા

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠના પાંચ શખ્સો સાથે અન્ય કેટલાક વ્યક્તિઓએ ભેગા મળી પોતાના મળતીયાઓના બેન્ક એકાઉન્ટ સાઇબર ગઠિયાઓને વાપરવા માટે આપી કુલ રૂપિયા ૩.૩૮ કરોડથી વધુની રકમનું ટ્રાન્જેક્શન કરી ક્રિપ્ટો કરન્સી મારફતે દુબઈ મોકલી આપતા આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

રાજ્યમાં સાયબર ગઠિયાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટ મારફતે સાઈબર ફ્રોડ કરવામાં આવી રહ્યું હોવાનું ખોલતા ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડી કચેરી દ્વારા વિવિધ બેંક ખાતાઓની માહિતી તથા ભારત સરકાર દ્વારા કાર્યરત પોર્ટલ મારફતે મ્યૂલ એકાઉન્ટ તપાસ અર્થે મળ્યા હતા. 

આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં દાખલ થયેલા અલગ અલગ ત્રણ ગુનાઓમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આણંદ સાયબર ક્રાઇમ પોલીસને ઉમરેઠની બેંકોમાં કેટલાક મ્યુલ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી જેથી પોલીસે તપાસ કરતા આ મ્યુલ એકાઉન્ટો ગૌરવ ઠાકુરભાઈ શાહ (રહે ઉમરેઠ) પોતાના મળતીયા કૃતાર્થ  દિવ્યાંગકુમાર શાહ, ષિ અતુલભાઇ શાહ અને ભારદ્વાજ યોગેશભાઈ ભીંડી (તમામ રહે ઉમરેઠ) તથા હિરલ મિતુલભાઈ પટેલ દ્વારા ઉમરેઠની વિવિધ બેન્કોમાં એકાઉન્ટો ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ ખાતાઓમાં સાયબર ફ્રાડના ૩.૩૮.૨૭.૭૯૦ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. 

બાદમાં જે તે ખાતેદારો પાસે આ રકમ ઉપાડીને આ શખ્સોએ ક્રિપ્ટો કરન્સી મારફતે દુબઈ મોકલી આપી હોવાનું જાણવા મળ્યું હતું અને આ અંગે દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ ૩૭ જેટલી ફરિયાદો પણ વિવિધ પોલીસ મથકોમાં નોંધાઈ હોવાનું ખુલવા પામ્યું હતું. ગ્રાહકો સાથે જુદા જુદા બહાને સાયબર ગઠિયાઓએ નાણાં ઓનલાઇન મેળવી આવા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. 

પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ કમિશનની લાલચમાં આ ખેલ કરી નાણા દુબઈ ખાતે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ અંગે ગુનો નોંધી ષિ અતુલભાઇ શાહ (રહે રેવા કાકાની પોળ ઉમરેઠ) હિરલકુમાર મિતુલભાઈ પટેલ (રહે બેચરી) અને ભારદ્વાજ યોગેશભાઈ ભીંડી (રહે પાટ પોળ ઉમરેઠ)ની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જોકે મુખ્ય સૂત્રધાર ગૌરવ શાહ (રહે ત્રણ પોળ વચલી પોળ ઉમરેઠ) અને કૃતાર્થ શાહ (રહે કોર્ટ રોડ ઉમરેઠ) વિદેશ ભાગી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.