Gujarat

ઉમરેઠ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી : આદર્શ આચાર સહિંતા લાગુ

By GS TEAM
18 Mar 20262 mins read
ઉમરેઠ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી : આદર્શ આચાર સહિંતા લાગુ

- 23 એપ્રિલ 2026 ના રોજ મતદાન યોજાશે

- આદર્શ આચાર સંહિતાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

અમદાવાદ : ભારતના ચૂંટણી આયોગ દ્વારા આણંદ જિલ્લામાં આવેલી ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. જોકે, કેટલીક બાબતોમાં નિયંત્રણો માત્ર ઉમરેઠ મતવિસ્તાર પૂરતા મર્યાદિત છે, જ્યારે અન્ય વહીવટી નિયમો સમગ્ર જિલ્લાને લાગુ પડશે.

આચાર સહિંતા મુજબ, ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ બોર્ડ-નિગમના પદાધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આણંદ જિલ્લામાં સત્તાવાર મુલાકાત લઈ શકશે નહીં. ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનો, હેલિકોપ્ટર કે અન્ય સરકારી સંસાધનોનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ છે. મતદારોને પ્રભાવિત કરી શકે તેવી કોઈપણ નવી યોજનાની જાહેરાત, નાણાકીય ગ્રાન્ટ, અથવા પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરવા પર મંત્રીઓ અને સત્તાધિકારીઓ માટે પ્રતિબંધ છે. સરકારી વેબસાઈટ અને જાહેર મકાનો પરથી મંત્રીઓના ફોટોગ્રાફ્સ અને પ્રચારાત્મક સંદેશાઓ દૂર કરવાના રહેશે. (નોંધ : રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના ફોટા પ્રદશત કરી શકાશે ). મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તમામ સરકારી વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સહકારી મંડળીઓને આ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આચારસંહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉમરેઠ મતવિસ્તાર સિવાયના જિલ્લાના બાકીના ભાગોમાં રૂટિન વિકાસ કામો અને રાહત કાર્યો ચાલુ રાખી શકાશે