ઉમરાળામાં બે દિવસમાં 16 ઈંચ વરસાદથી જળબંબાકાર

- પ્લોટ વિસ્તારમાં રોડનું લેવલ વધુ હોવાથી ગોઠણ સમા પાણી ભરાયા
- ખેતરોના પાળા તૂટી ગયા, રંઘોળા ડેમ ઓવરફ્લો, ઝાંઝમેર ગામે વીજ કરંટથી ગૌમાતાનું મોત
ઉમરાળામાં છેલ્લા બે દિવસની અંદર ૩૯૫ મિ.મી. વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઉમરાળાના પ્લોટ વિસ્તારમાં બનાવવામાં આવેલા આરસીસી રોડનું લેવલ નવ ઈંચ વધુ હોવાથી પાણી નિકાલ બંધ થઈ જતાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા. તો સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના મકાનની ફરતે પાણી ફરી વળ્યા હતા. દેવીપૂજક વિસ્તારમાં બે કાચા મકાન પડી જતાં ગરીબ પરિવારનો આસરો છીનવાયો હતો. ભારે વરસાદના કારણે ખેતરોના પાળા તૂટી જતાં દરિયાઈ પટ્ટી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રંઘોળા ડેમ ઓવરફ્લો થતાં ૧૪ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતા. જેના કારણે રંઘોળા નદી, કાળુભાર નદી પર ગઢડા તાલુકામાં અવોલા ડેમના સાત દરવાજા ૦.૬૦ મીટર ખોલવા પડયા હતા. આ કારણે કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. હાઈવેના કોઝવે પર પૂરના પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઠોંડા ગામે દેવીપૂજક સમાજના ઘર પડી જતાં બકરાં અને ઘરવખરીનો સામનો તણાઈ ગયો હતો. જ્યારે ઝાંઝમેર ગામે વીજ કરંટથી એક ગાયનું મૃત્યુ થયાના વાવડ મળ્યા છે.








