ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ
- કપડવંજ પાલિકા દ્વારા દબાણ હટાવ્યા બાદ
- દબાણકર્તાઓ દ્વારા યથાવત્ સ્થિતિ રાખવાની માગણી, પાલિકાની સોમવારની કાર્યવાહી પર નજર
કપડવંજ : કપડવંજ પાલિકા દ્વારા દબાણ હટાવ્યા બાદ ખુલ્લી જગ્યામાં રોડ બનાવવા કામગીરી શરૂ કરતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવા દબાણકર્તાઓ દ્વારા પાલિકાને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
આ મામલે પાલિકા સોમવારે શું કાર્યવાહી કરશે તેના પણ સૌની મીટ મંડાઇ છે.
કપડવંજ પાલિકાની હદમાં આવેલી ૮૮ દુકાનોના દબાણો પાલિકા દ્વારા પાલિકા અધિનિયમ હેઠળ ૧૯૬૩ની ૨૫૮ કલમ હેઠળ અને કપડવંજ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના તમામ ૨૮ કાઉન્સિલરોની સંમતિથી તા.૨૬.૭.૨૦૨૪ શહેરી વિસ્તારના કલેક્ટર કચેરીમાંથી થયેલા હુકમો મુજબ તમામ સરકારી જમીનોમાં દબાણો દૂર કરવાના ઠરાવ નં. ૧૦૦ ને પડકારતી રજૂઆત પ્રાદેશિક કમિશનર નગરપાલિકા અમદાવાદને કરવામાં આવી હતી. જે ન્યાયિક પ્રક્રિયા હેઠળ કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. પરંતુ દબાણકર્તા દુકાનદારો દ્વારા મીના બજાર દુકાનદાર એસોસિએશન અને મીના બજાર રોહિત વાસ સામે દુકાન એસોસિએશન દ્વારા પાલિકા દ્વારા વિવાદસ્પદ દબાણો દૂર કર્યા બાદ રોડ બનાવવાની કામગીરી હાથ ધરતા કામ બંધ કરીને યથાવત્ સ્થિતિ જાળવી રાખવા પાલિકાને અલ્ટમેટમ આપવામાં આવ્યું છે. સોમવારે પાલિકા દ્વારા શુ કાર્યવાહી હાથ ધરાઇ છે તેના પર સૌની નજર મંડાઇ છે.