ઉકાઈ ડેમમાં 42 હજાર ક્યુસેકસ પાણીની આવકઃ ડેમની સપાટી 322.35 ફુટ
વીતેલા 24 કલાકમાં ઉપરવાસમાં વરસાદ તથા હથનુરમાંથી પાણી છોડાતા
વીતેલા 24 કલાક દરમિયાન ઉકાઈના 8 ગેજ સ્ટેશનોમાં નોંધપાત્ર વરસાદઃ હથનુર ડેમમાંથી 35 હજાર ક્યુસેક્સ પાણી છોડવામાં આવતાં ડેમની સપાટીમાં વધારો નોંધાયો
સુરત,તા.17 જુલાઈ 2020 શુક્રવાર
સુરત
શહેર-જિલ્લામાં વરસાદી વિરામ વચ્ચે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વીતેલા 24 કલાક દરમિયાન નોંધપાત્ર
વરસાદ નોંધાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે.ડેમના ઉપરવાસના વરસાદ
તથા હથનુર ડેમમાંથી મોડી સાંજે છોડવામાં આવતા 35 હજાર ક્યુસેક્સ પાણીના જથ્થાના પગલે
ઉકાઈની સપાટીમાં વધીને 322.35 ફુટ નોંધાઈ છે.
વીતેલા 24 કલાક દરમિયાન સુરત શહેર-જિલ્લામાં મેઘરાજાના વિરામ વચ્ચે ઉકાઈ ડેમના ઉપરવાસના આઠ જેટલા ગેજ સ્ટેશનમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.ગઈકાલે મોડી રાત્રે ઉકાઈના સ્ત્રાવ ક્ષેત્ર વિસ્તારો પૈકી ટેસ્કામાં 10.8,ચીખલધરામાં 43.6,લખીપુરીમાં 13.6,દેડતલાઈમાં 63.80,ધુલિયામાં 22.60,સાવખેડામાં 53.20,ગિધાડેમાં 10.40 તથા સાગબારામાં 26.7 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.જો કે આજે દિવસ દરમિયાન ઉકાઈના ઉપરવાસમાં 6 મીમી જેટલો નહીંવત્ વરસાદ નોધાયો છે.
અલબત્ત વીતેલા 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં નોંધાયેલા વરસાદને પગલે સવારે 6 કલાકે ડેમમાં 30679 ક્યુસેક્સ પાણીનો ઈન ફ્લો ચછા 6838 આઉટ ફ્લો વચ્ચે ડેમની સપાટી 322.29 ફુટ નોંધાઈ હતી.જ્યારે હથનુર ડેમમાંથી મોડી સાંજે 35 હજાર ક્યુસેક્સ પાણી છોડવામાં આવતા ઉકાઈમાં પાણીનો આવરો વધીને 42,530 ક્યુસેક્સ થવા પામ્યો છે.જેના પગલે ઉકાઈની ડેમની સપાટી વધીને 322.35 ફુટ નોંધાઈ છે.જ્યારે હાઈડ્રો તથા સિંચાઈ માટે ડેમમાંથી 6843 ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનું જારી રાખવામાં આવ્યું છે.