ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી પાણીની આવક અને જાવક 46,418 ક્યુસેક

Surat Rain Update : બંગાળની ખાડીમાં થયેલા ડિપ્રેશનના કારણે સુરત સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે શિયાળાની શરૂઆત સાથે જ તાપી નદી પર બનેલો ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. ઉકાઈની ભયજનક સપાટી 345 ફૂટ છે અને બપોરે બે વાગ્યે ડેમ 345.02 ફૂટ પર પહોંચી ગયો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 46418 ક્યુસેક છે તેથી ડેમમાંથી 46418 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે અને સુરતમાંથી પસાર થતો કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયો છે.
શિયાળાની શરુઆત સાથે જ મેઘરાજ પણ કોપાયમાન થયા છે અને સુરત સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે. હાલમાં ઉકાઈ ડેમમાં 46418 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફુટ છે અને બપોરે બે વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી ગઈ છે. જેના કારણે ડેમમાં આવતું 46,418 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
બપોરે બે વાગ્યાના આંકડા જોવામા આવે તો કાંકરાપારનું લેવલ 163.50 ફુટ પર પહોંચી ગયું છે. ઉકાઈ ડેમમાંથી 46418 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું છે તેના કારણે સુરતના રાંદેર- સિંગણપોર વચ્ચે બનેલા વિયર કમ કોઝવે પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે. વિયરની ભયજનક સપાટી 6 મીટર છે પરંતુ હાલ વિયર 7.47 મીટર ઉંચેથી વહી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી છોડવામા આવેલા પાણીના કારણે તાપી નદી બન્ને કાંઠે વહેતી થઈ છે જેના કારણે લોકોને કિનારે નહી જવા માટે પાલિકાએ અપીલ કરી છે.

