-પુરતો જથ્થો સ્ટોર થતા ડેમ તંત્રને પણ રાહતઃ જોકે, ડેમની સપાટી 331.66 ફુટ જે રૃલ લેવલ કરતા સાડા આઠ ફુટ ઓછી
સુરત
સુરત શહેર-જિલ્લામાં તેમજ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મેઘરાજાના વિરામ લીધો હતો. તો ઉકાઇ ડેમમાં 70 ટકા પાણી સ્ટોરેજ થવાની સાથે જ આખુ વર્ષ પીવા અને ખેતીપાક માટે પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ડેમમાં સંગ્રહ થવાથી સતાધીશોને રાહત થઇ ગઇ છે.
સપ્ટેમ્બર મહિનાની શરૃઆત સાથે જ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. પરંતુ ત્યારબાદ સાવ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સવારે વરસાદી ઝાપટા પડયા બાદ આખો દિવસ તડકો પડતા શહેરીજનો બન્ને ઋતુનો અનુભવ માણી રહ્યા છે. આજે પણ સુરત જિલ્લા અને ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ રહ્યો હતો. તો ઉકાઇ ડેમમાં આજે 20,000 કયુસેક ઇનફલો આવવાની સાથે સપાટી મોડી સાંજે સાત વાગ્યે 331.66 ફૂટે પહોંચી હતી. આ સપાટીની સાથે જ ઉકાઇ ડેમ હાલ 70 ટકા જેટલો ભરાઇ ચૂકયો છે. અને 30 ટકા જેટલો જ ખાલી છે.
ઉકાઇ ડેમમાં પાણીનો આટલો જથ્થો સંગ્રહ થતા આવતા ચોમાસા સુધી ખેતીપાક માટે અને શહેરીજનોને પુરતા પ્રમાણમાં પીવાનુ પાણી મળી રહે તેટલો જથ્થો સ્ટોર થઇ ગયો છે. જો કે ઉકાઇ ડેમના રૃલલેવલ 340 ફૂટ થી સપાટી સાડા આઠ ફૂટ ઓછી છે. અને ભયજનક લેવલ 345 ફૂટથી સાડા તેર ફૂટ ઓછી નોંધાઇ છે.


