Get The App

1.40 કરોડ ગુજરાતીઓને મોટો ઝટકો, વીજદરમાં 0.25 પૈસાનો ધરખમ વધારો

Updated: Jan 17th, 2023

GS TEAM


Google News
Google News
1.40 કરોડ ગુજરાતીઓને મોટો ઝટકો, વીજદરમાં 0.25 પૈસાનો ધરખમ વધારો 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

ગુજરાત વીજ નિયમન પંચ મહેરબાન હોવાથી ગુજરાતના વીજ વપરાશકારોને માથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર કંપનીઓએ યુનિટદીઠ ભાવમાં 25 પૈસાનો વધારો ઝીંકી દીધો છે. પરિણામે ગુજરાતના વીજવપરાશકારોને માથે વરસે રૂ. 2950 કરોડનો વધારાનો ખર્ચ બોજ આવશે. ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ(એફપીપીપીએ)ની ફોર્મ્યુલા હેઠળ વીજદરમાં આ વધારો કરવામાં આવ્યો છે.

સૌથી આઘાત પમાડે તેવી બાબત તો એ છે કે ગુજરાત વીજ નિયમન પંચે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2023ના ત્રિમાસિક ગાળામાં એફપીપીપીએ યુનિટદીઠ 2.60 બદલે 2.85 વસૂલવાની છૂટ આપી દીધી છે. અસાધારણ સંજોગો હેઠળ આ વધારો મંજૂર કરી દેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે-જીયુવીએનએલએ ઇંધણ ખર્ચ અને ખાનગી કંપનીઓ પાસે વીજળીની ખરીદી કરવાના લીધેલા નિર્ણયની યોગ્યતાની ખરાઈ કર્યા વિના જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ગુજરાત સરકારની વીજ કંપનીઓ સસ્તી વીજળી પેદા કરી શકે છે. તેમ છતાંય તેના પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતાના સરેરાશ 40 ટકાની આસપાસ વીજળી પેદા કરીને બાકીની વીજળી ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ઊંચા ભાવે ખરીદતી હોવાની બાબત અનુચિત હોવા છતાંય જર્ક તેમની સામે કોઈ જ પગલાં લેતું નથી. બીજું, સરકારી કંપનીઓ ઓછી કે નહિવત વીજળી પેદા કરતાં હોવા છતાંય તેના પાવર પ્લાન્ટની જાળવણી માટે, તેને માટે લેવાયેલી લોનના વ્યાજના ખર્ચ અને કર્મચારીઓના પગાર ખર્ચનો બોજો તો ગ્રાહકોને માથે આવે જ છે. તેમ છતાંય સસ્તી વીજળી પેદા ન કરીને ગુજરાતના ગ્રાહકોને મોંઘી વીજળી ખરીદીને સપ્લાય આપી રહી છે. આ બાબત પરત્વ જર્ક આંખ આડા કાન કરી રહ્યું છે. તેથી જ જીયીવીએનએલ પણ તેમને પેન્ડિંગ વસૂલીના વ્યવસ્થિત આંકડાઓ જાહેર કરે તે માટે જર્ક તેને ફરજ પાડતું નથી. અન્ય તરફથી આ માટે કરવામાં આવતી માગણીને જીયુવીએનએલ સ્વીકારતું નથી.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડે એફપીપીપીએમાં કરેલો આ વધારો સૌથી મોટો વધારો છે. તેને કારણે ગ્રાહકોને માથે મહિને 245.8 કરોડનો વધારાનો બોજ આવશે. માસિક બોજ રૂ. 2950 કરોડનો થવા જાય છે. જીયુવીએનલએ હેઠળની વીજ કંપનીઓ દર ત્રણ મહિને વીજદરમાં પોતાની રીતે 10 પૈસા વધારી શકે છે. આ વખતે 10 પૈસા ઉપરાંત વીજગ્રાહકો પાસેથી બાકી લેવાના નાણાં પેટે યુનિટદીઠ બીજા 15 પૈસાની વસૂલી કરવાની છૂટ આપવામાં આવી હતી.

જીયુવીએનએલએ 2022-23ના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના એફપીપીપીએની જાહેરાત પણ કરી નહોતા. ચૂંટણીની આચારસંહિતાને કારણે તેણે એફપીપીપીએના ત્રિમાસિક દરની જાહેરાત કરી નહોતી. જીયુવીએનએલએ ચૂંટણીને કારણે દરેક વીજ વિતરણ કંપનીઓને અગાઉના ત્રિમાસિક ગાળા પ્રમાણે યુનિટદીઠ રૂ. 2.60 એફપીપીપીએ હેઠળ વસૂલવાનું ચાલુ રાખવાની સૂચના આપી હતી. આ સંદર્ભમાં એનર્જી એક્સપર્ટ કે.કે. બજાજે નોંધાવેલા વિરોધની પણ અવગણના કરવામાં આવી હતી. જર્કના ચેરમેન ગુજરાત સરકારની કઠપૂતળી બની ગયા હોવાથી આ ચાલી રહ્યું છે.

Tags :