Get The App

ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો: દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસે ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર કર્યા આકરા પ્રહારો

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો: દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસે ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર કર્યા આકરા પ્રહારો 1 - image

Gandhinagar Typhoid Outbreak: પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોએ માઝા મૂકી છે, ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની પૂછપરછ કરી હતી અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો: રોજ સરેરાશ 25 નવા કેસ

અમિત ચાવડાએ સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીતા પરીખ સાથે મુલાકાત કરી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. ડૉ. પરીખે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં 48 શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે. હૉસ્પિટલમાં દરરોજ સરેરાશ 25 નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરેક દર્દીના બે વાર ટાઇફોઇડ રિપોર્ટ કરવામાં આવે છે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને રજા આપવામાં આવે છે.

ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો: દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસે ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર કર્યા આકરા પ્રહારો 2 - image

સરકારની બેદરકારીથી જનતા મરી રહી છે: અમિત ચાવડા

દર્દીઓની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ટ્રિપલ એન્જિન સરકાર હોવાના દાવાઓ અને કરોડોના ખર્ચ છતાં પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું નથી. 1લી તારીખથી સતત કેસો વધી રહ્યા છે, નાના બાળકો હૉસ્પિટલમાં છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ તાયફામાં વ્યસ્ત છે.

અમિત ચાવડાએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે સેક્ટર-21 જેવા વિકસિત વિસ્તારોમાં પણ ટાઇફોઇડ પહોંચી ગયો છે. કોર્પોરેશન દ્વારા રોડ તોડવાના કામમાં બેદરકારી દાખવતા ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. સરકારની ગંભીર બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં છે. આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે ફોજદારી ગુના નોંધવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પ્રમુખે કરી છે. ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડ વકરી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનની કામગીરી પર વધુ દબાણ વધે તેવી શક્યતા છે.