Gujarat

ભવાનીના દરિયામાં નહાવા પડેલા બે યુવાનો તણાયા, એકનું મોત

By GS TEAM
4 Sep 20251 min read
ભવાનીના દરિયામાં નહાવા પડેલા બે યુવાનો તણાયા, એકનું મોત

- જીલજીલણી એકાદશી નિમિત્તે દરીયે ગયા હતા

- એસઆરડી જવાન અને સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બચાવ્યો, અલંગ મરીન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

મહુવા : મહુવાના ભવાનીના દરિયામાં આજે બપોરના સમયે નહાવા પડેલા બે યુવકો દરિયામાં ડૂબ્યા હતા. જેમાંથી એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય યુવકને એસઆરડી જવાન અને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો છે. બનાવ અંગે અલંગ મરીન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.

ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર જલજીલણી અગિયારસ નિમિત્તે મહુવાના સ્વામિનારાયણ મંદિર ખારગેટ (મુખ્ય મંદિર)ના હરિભક્તો ભવાની મંદિર ખાતે ગયા હતા. જેમાંથી યોગેશભાઈ મગનભાઈ ચૌહાણ (ઉં.વ.૩૫, રહે મહુવા) તથા મુકુંદભાઈ નામના બે યુવકો દરિયામાં નહાવા પડયા હતા. આ દરમિયાન બપોરે ૧.૪૫ કલાકના અરસામાં તેઓ દરિયાના પાણીના પ્રવાહમાં તણાયા હતા. બનાવની જાણ થતાં એસ.આર.ડી. જવાનો તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી યોગેશભાઈ મગનભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫) ની બોડીને બહાર કાઢી મહુવા સરકારી દવાખાને ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે મુકુંદભાઈ નામના અન્ય યુવકને બચાવી લઈ સારવાર માટે હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અલંગ મરીન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.