શહેરા તાલુકાના તાડવા ગામે બે પ્રેમીને તાલિબાની સજા બે યુવકોને ઝાડ સાથે બાધી દઇ જાહેરમાં માર માર્યો

શહેરા તા.૧ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામમાં બે યુવકોને પ્રેમ સંબંધ મુદ્દે ઝાડ સાથે બાંધી તાલિબાની સજા અપાતી હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી ૧૦ શખ્સોની ધરપકડ કરી હતી.
શહેરા તાલુકાના એક ગામમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી લાકડાંના દંડા વડે મારમારી તાલિબાની સજા અપાતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો, આ વીડિયોમાં બે યુવતીઓને પણ માર મરાતો તેમજ તાલિબાની સજાનો કેટલાંક શખ્સો વીડિયો પણ બનાવતા હોવાનું જણાયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ સંબંધના કિસ્સામાં બન્ને યુવકોને તાલિબાની સજા અપાતી હોવાનું જણાતું હતું.
આ અંગે શહેરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા વીડિયો તાડવા ગામનો હોવાનું અને વીડિયોમાં દેખાતા શહેરાના મીઠાપુર ગામના બે યુવકોને બે યુવતીઓ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેઓ ઘરેથી ભાગી જઈને ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે મજૂરી માટે જતા રહ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે યુવતીના સંબંધીઓ ઇકો ગાડીમાં બેસી મહેમદાવાદ જઇ ત્યાંથી બંને યુવકો અને યુવતીઓને પકડી તાડવા ગામે લાવી બંને યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી માર માર્યો હતો.








