ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા સાવલીના વ્યામળના બે યુવકનાં મોત
- પેટલાદના દંતેલી બ્રિજ પાસે રોડની વચ્ચે પાર્કિગ લાઇટ વિના
- યુવકો ગઢડા પત્નીને પિયરમાંથી લેવા જઇ રહ્યા હતા, ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વ્યામળ ગામે રહેતા અનિલભાઈ ઝીણાભાઈ ગોહેલ અને મિતેશભાઇ કાનજીભાઈ ગોહેલ બાઈક લઈને ગઢડા ગામે જવા નીકળ્યા હતા. બપોરના સુમારે તેઓનું બાઈક તારાપુર વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલા પેટલાદ તાલુકાના દંતેલી ગામના બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે રોડ વચ્ચે એક ટ્રક ચાલકે પાકગ લાઈટો ચાલુ રાખ્યા વિના કે કોઈપણ સૂચક બોર્ડ મૂક્યા વિના પોતાની ટ્રક ઉભી રાખેલી હોવાથી પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઈક ધડાકા ભડ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બાઈક સવાર બંને યુવકો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા બંને યુવકોને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા બંનેનું ઘટના સ્થળે જમોત થયું હતું અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માત અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી બંને યુવકના પરિવારજનોને અકસ્માત અંગે જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ મિતેશ ગોહેલના લગ્ન ચાર માસ અગાઉ થયા હતા અને આજે તે પત્નીને મળવા માટે તથા પિયરમાંથી લેવા માટે બાઈક લઈને ગઢડા જઈ રહ્યો હતો ત્યારે બંને યુવકોને આ અકસ્માત નડયો હતો. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ઉમેશભાઈ ગોહેલની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.