Gujarat

જામનગરના વધુ બે યુવાનો શેરબજારમાં રોકાણના બહાને એક ચીટર શખ્સની છેતરપિંડીનો શિકાર બન્યા

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
શેર બજારની મોબાઇલ એપમાં મોટું વળતર અપાવી દેવાની લાલચે બન્ને યુવાનો પાસેથી જામનગરના એક શખ્સે રૂપિયા 28.36 લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના વધુ બે યુવાનો શેરબજારમાં રોકાણના બહાને એક ચીટર શખ્સની છેતરપિંડીનો શિકાર બન્યા

Jamnagar Fraud Case : જામનગરના વધુ બે યુવાનો શેર બજારમાં રોકાણના બહાને અને મોટું પ્રોફિટ મેળવવાના બહાને એક ચિટર શખ્સની છેતરપિંડીનો શિકાર બન્યા છે અને બંને યુવાનોએ કુલ 28.36 લાખની રકમ ગુમાવી હોવાથી જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા કેવીન હિતેશભાઈ રોલા નામના 27 વર્ષના વેપારી યુવાને શેરબજારમાં રોકાણના બહાને પોતાની સાથે તેમજ પોતાના મિત્ર અજયસિંહ યુવરાજસિંહ જાડેજા સાથે રૂપિયા 28 લાખ 36 હજારની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં રહેતા રાહુલ વાસાણી નામના શખ્સ સામે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કેવિન હિતેશભાઈ પટેલ કે જે રાહુલ વાસાણીના સંપર્કમાં આવ્યો હતો અને તેણે આજથી છ મહિના પહેલા શેરબજારમાં રોકાણ કરવાના બહાને મોબાઈલ ફોનમાં એપ્લિકેશન બતાવી હતી, અને કેવી રીતે પ્રોફિટ થાય છે, તે બધું સમજાવ્યા બાદ કટકે કટકે રૂપિયા 19 લાખ 36 હજારની રકમ મેળવી લીધી હતી, અને બેંક મારફતે રાહુલ વાસાણીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

 ત્યારબાદ મોબાઈલ એપ્લિકેશનમાં મોટો નફો મળ્યો છે, તેમ દર્શાવી લાલચ આપી હતી, અને આ ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ હોય એટલે તેમાં વળતર મળવામાં વાર લાગે, તેવું કહી સમય કાઢ્યા રાખ્યો હતો.

 આ ઉપરાંત તેનો અન્ય એક મિત્ર અજયસિંહ યુવરાજસિંહ જાડેજા કે જેની પાસેથી પણ કટકે કટકે 9 લાખ રૂપિયા રાહુલ વાસાણીએ રોકાણના બહાને બેંક મારફતે મેળવી લીધા હતા. ત્યારબાદ તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો, અને ગુમ થઈ ગયો હતો. 

આખરે કેવીન પટેલ દ્વારા આ મામલાને જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોતાની તથા પોતાના મિત્ર અજયસિંહની કુલ રૂપિયા 28,36,000 ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આરોપી હાલ ભાગી છુટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.