- પેટલાદના શાહપુર ગામના પાટિયા પાસે અકસ્માત
- ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિ.માં ખસેડાયો : પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
આણંદ : પેટલાદ તાલુકાના શાહપુર ગામના પાટિયા નજીક સોમવારની રાત્રિના સુમારે એક એક્ટિવા અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ થવાના કારણે બંનેના મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેટલાદ તાલુકાના શાહપુર ગામના રામદેવ ચોક વિસ્તારમાં રહેતા ધર્મેશકુમાર મનુભાઈ પટેલ તમાકુનો વ્યાપાર કરે છે. તેઓના કાકાના દિકરા ચિરાગ મણીભાઈ પટેલ પણ તેઓની સાથે રહેતા હતા. સોમવારની સમી સાંજના ધર્મેશકુમાર પરિવાર સાથે પેટલાદ ખાતે જમવા માટે ગયા હતા, જ્યારે તેઓના કાકાનો દીકરો ચિરાગ પોતાનું બાઈક લઈને કામકાજ અર્થે પેટલાદ ખાતે ગયો હતો અને ત્યાંથી કામ પતાવી તે શાહપુર ગામે પરત આવવા નીકળ્યો હતો. દરમિયાન રાત્રિના સુમારે પેટલાદ શાહપુર રોડ ઉપર શાહપુર ગામના પાટિયા પાસેથી તે પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવી ચડેલી એક્ટિવા બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક ચિરાગ પટેલ અને એક્ટિવા ચાલક અને પાછળ સવાર અન્ય એક શખ્સ મળી ત્રણેય યુવકો રોડ ઉપર પટકાતા તેઓને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ગવાયેલ ત્રણેયને સારવાર અર્થે પેટલાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તપાસ કરતા એક્ટિવાનો ચાલક બોરસદ તાલુકાના ગોરેલ ગામનો અલ્પેશ કનુભાઈ તળપદા અને તેની પાછળ સવાર જીતુ ભાનુભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાઈક ચાલક ચિરાગ પટેલ અને એક્ટિવા ચાલક અલ્પેશ તળપદાને સારવાર મળે તે પહેલા બંનેનું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત જીતુ ભાનુભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


