Gujarat

દહેગામ - રખિયાલ હાઇવે પર અકસ્માતમાં બે યુવકોનાં મોત

By GS TEAM
22 Jun 20252 mins read
દહેગામ - રખિયાલ હાઇવે પર અકસ્માતમાં બે યુવકોનાં મોત

યુવકો બાઈક લઇ દહેગામ આવી રહ્યા હતા ત્યારે બેફામ આવતા ટ્રકે ટક્કર મારતાં બંનેના સ્થળ પર મોત નીપજ્યા

ગાંધીનગર :  દહેગામ - રખિયાલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બે બાઈક સવાર યુવકોના મોત થયા નીપજ્યા છે. દહેગામ - મોડાસા હાઈવે પર બબલપુરા પાટિયા પાસે  પુરઝડપે  જઈ રહેલા  ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ૧૦૮ ની ટીમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બંને મૃતક યુવકો દહેગામ તાલુકાના ધારીસણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

દહેગામ તાલુકાના ધારીસણા ગામ ખાતે રહેતા અને કટલરીનો દુકાન ધરાવતા આકાશ નરેન્દ્રભાઈ પરમાર અને દિપક ધનજીભાઈ રાઠોડ બાઈક લઈને દહેગામ જવા નીકળ્યા હતા. બાઈક જ્યારે દહેગામ મોડાસા હાઈવે પર બબલપુરા પાટિયા નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે હાઇવે પરથી બેફામગતિએ પસાર થઈ રહેલ ટ્રેકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ ૧૦૮ પર કોલ કરતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતની જાણ થયા બાદ રખિયાલ પોલીસ પણ ઘટના સ્તળે દોડી આવી હતી અને જરૃરી કાર્યવાહી પૂર્ણ કરી બંને મૃતકોની લાશને પીએમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી હતી. ધારીસણા ગામના બેે યુવકોના આકસ્મિક મોતના પગલે સમગ્ર પંથકનો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બેફામ દોડતા ટ્રકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉગ્ર બની છે.