નવસારીમાં કરુણ દુર્ઘટના: રેલવે ટ્રેક ક્રોસ કરતાં બનાસકાંઠાના બે યુવાનોના ટ્રેન અડફેટે મોત
Navsari News: નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં ટ્રેનની અડફેટે આવી જતાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યાં છે. આ બંને યુવાનો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામના વતની હતા અને રોજગારી માટે નવસારી આવ્યા હતા.
રોજગારીની શોધમાં આવેલા યુવાનો કાળનો કોળિયો બન્યા
મૃતક યુવાનોની ઓળખ કલ્યાણભાઈ અને ઉત્તમભાઈ ઠાકોર તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ રેલવે લાઈન ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસના લોકો પાયલટે ટ્રેક પર મૃતદેહો જોતાં તાત્કાલિક નવસારી રેલવે સ્ટેશનને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાના સમાચાર મળતાં જ બનાસકાંઠાથી નવસારી ખાતે રહેતા સમાજના અગ્રણીઓ અને સ્વજનો મોટી સંખ્યામાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.
રેલવે ટ્રેક પર અકસ્માતોનો વધતો ગ્રાફ ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી નવસારી જિલ્લામાં ટ્રેનની અડફેટે મૃત્યુ પામનારની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રેલવે લાઈન ક્રોસ કરતી વખતે કે ટ્રેનની અવરજવર અંગેની બેદરકારીના કારણે આવા અકસ્માતો વધી રહ્યા છે. આ ઘટનાઓને કેવી રીતે નાથી શકાય તે રેલવે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની ચૂક્યો છે. લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવા અકસ્માતો અટકાવવા માટે જાગૃતિ અને કડક પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.