Gujarat

વિદેશમાં નોકરી અપાવવાના બહાને બે યુવાનો સાથે ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી

By GS TEAM
17 Jun 20252 mins read
વિદેશમાં નોકરી અપાવવાના બહાને બે યુવાનો સાથે ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી

અમદાવાદ અને આંધ્રપ્રદેશના બે શખ્સો સામે ગુનો દાખલ

યુકેમાં જણાવેલી કંપનીમાં નોકરી નહીં મળતા યુવાનો પરત ફર્યા ઃ આરોપીઓની શોધખોળ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  વિદેશમાં નોકરી અપાવવાના બહાને વધુ એક છેતરપિંડી બહાર આવી છે. જેમાં ગાંધીનગરના યુવાન તેમજ અન્ય એક યુવાનને યુકેમાં નોકરી અપાવવાના બહાને ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે સીઆઇડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે અમદાવાદ અને આંધ્રપ્રદેશના બે શખ્સોની શોધખોળ શરૃ કરી છે.

હાલમાં ગુજરાતમાં યુવાનોને વિદેશમાં નોકરી અપાવવાના બહાને તેમની પાસેથી લાખો રૃપિયા પડાવવામાં આવી રહ્યા છે ત્યારે વધુ બે યુવાનો આ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૨- બી પ્લોટ નંબર ૧૫૩ / ૨માં રહેતા અને ગાંધીનગર કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર તરીકે કામ કરતા સુરેશભાઈ વિઠ્ઠલભાઈ દત્ત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, જાન્યુઆરી ૨૦૨૩માં પ્રકાશ ગોવિંદભાઈ રાઠોડ તેમના ઘરે આવ્યા હતા અને તેમના પુત્ર અંકિતને યુ.કે. વર્ક પરમિટ વિઝા પર વિદેશ મોકલીને નોકરી અપાવવાનો ભરોસો આપ્યો હતો. પ્રકાશ રાઠોડે યુનાઇટેડ કિંગડમની કંપનીનો કોસ લેટર આપ્યો હતો અને તેના આધારે અંકિતના યુ.કે. વર્ક વિઝા મેળવી આપ્યા હતા. આ કામ માટે ૨૨.૫૦ લાખ આપ્યા હતા. જોકે યુકે ગયા બાદ અંકિતને જણાવેલી કંપનીમાં નોકરી આપવામાં આવી ન હતી અને તે પરત ફર્યો હતો. જ્યારે મનુભાઈ છોટાલાલ પટેલના પુત્ર મીત સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી હતી અને તેની પાસેથી ૧૮.૪૪ લાખ રૃપિયા લેવામાં આવ્યા હતા. જોકે તેને પણ નોકરી આપવામાં આવી ન હતી. જેથી આ સંદર્ભે હાલ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા આરોપી પ્રકાશભાઈ ગોવિંદભાઈ રાઠોડ રહે. બી/૫૦૩, શિવમ રેસિડેન્સી, કારગિલ પેટ્રોલપંપ પાસે, ચાણક્યપુરી, અમદાવાદ અને વાયુપુત્ર અનિરૃધ્ધ થોટાપલ્લી રહે. ૮-૪૫-૧/૨, ફોર્થ લેન, વિદ્યાનગર, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.