જી.આઇ.ડી.સી.ની કંપનીની આગમાં દાઝેલા બે યુવકોના મોત
કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા કામ કરતા બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં છ દિવસ પહેલા લાગેલી ભયાનક આગમાં ઇજાગ્રસ્ત થયેલા બે શ્રમજીવીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત ૬ ઠ્ઠી તારીખે મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી અંબિકા એન્જિનિયરીંગ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. કંપનીમાં કામ કરતા સતેન્દ્રકુમાર વિક્રમભાઇ શાહ ( ઉં.વ.૩૧) (રહે. અમૃત નગર, અલવા નાકા, માંજલપુર, મૂળ રહે. બિહાર) ને મોંઢામાં જમણી બાજુ, ગળા, છાતી, પેટ તથા કમરના ભાગે દાઝી જવાથી ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે અન્ય એક યુવક પરેશ દશરથભાઇ વસાવા, ઉં.વ.૩૧ (રહે. શાલીગ્રામ રેસિડેન્સી, મકરપુરા, એરફોર્સ સ્ટેશનની પાછળ મૂળ રહે. બિહાર) પણ કંપનીમાં કામ કરતો હતો. આખા શરીરે સખત રીતે દાઝી ગયેલા પરેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.