વડોદરા,પાણીગેટ આયુર્વેદિક વિસ્તારમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકોને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ૧.૯૨૯ કિલો ગાંજો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે,પાણીગેટ આયુર્વેદિક કોલેજની બાજુમાં આવેલા મેલડી માતાના મંદિરની સામે આવેલા બોરડીના ઝાડ પાસે મોેપેડની ડીકીમાં ગાંજાનો જથ્થો રાખી ડિલિવરી માટે બે યુવકો ઊભા છે. જેથી,પી.આઇ. એ.બી. પટેલની સૂચન મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ધનરાજ શૈલેષભાઇ રાણા ( રહે. ભાટવાડા, વાડી) તથા પ્રિન્સ ઇન્દ્રેશકુમાર પાસી (રહે. ઇદગાહ મેદાન પાસે,ગાજરાવાડી) મળી આવ્યા હતા. મોપેડની ડીકીમાંથી ૧.૯૨૯ કિલો ગાંજો કિંમત રૃપિયા ૯૬,૪૫૦ નો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી તરીકે વાડીના અક્ષિત મિસ્ત્રીનું નામ ખૂલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી ગાંજો, મોપેડ, બે મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૧.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


