નવી સિવિલમાં ૨૪ કલાકમાં બે યુવાનના અંગોનું દાનઃ પાંચ વ્યક્તિને નવજીવન મળશે

- બમરોલીના યુવાનની કિડની અને લીવર અને મુળ નર્મદા
જિલ્લાના અને હાલમાં સચીનના યુવાનની બે કિડની
પરિવારે દાન કરી
સુરતઃ:
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં બે યુવાનના સફળ અંગદાન થયા છે. જેમાં બમરોલીના ૨૩ વર્ષીય યુવાનની કિડની અને લીવર અને મુળ નર્મદા જિલ્લાના અને હાલમાં સચીનમાં રહેતા ૨૩ વર્ષીય યુવાનની બે કિડની દાન કરીને બંને પરિવારે સમાજમાં નવી દિશા બતાવીને માવતા મહેકાવ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના હાસપુરા તાલુકાના ડુમરા ગામના વતની અને હાલ બમરોલીની તુલસીદાસ સોસાયટીમાં રહેતો ૩૬ વર્ષીય મૃત્યુંજય રામતુકાર શર્મા પાંડેસરાની મારૃતિ ફેક્ટરીમાં કામ કરતો હતો. તા.૨૪મીએ મૃત્યુંજય અકસ્માતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, ત્યાંથી વધુ સારવાર માટે તેને નવી સિવિલમાં ખસેડાતા વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૃ કરી હતી.
બીજા બનાવમાં મૂળ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ભુતબેડા ગામના વતની અને હાલ સચિન પાસે વાંઝ ગામમાં રહેતો ૨૩ વર્ષીય સંજય મોયલાભાઈ વસાવા ટેમ્પામાં માલ સામાન ઉતારવાનું કામ કરતો હતો. ગત તા.૨૨મીએ મિત્ર સાથે બાઈક પર સચીન તરફ જવા નીકળ્યા હતા. ત્યારે અકસ્માત થતા સંજયના માંથામાં ગંભીર ઈજા થતા ૧૦૮માં નવી સિવિલમાં લઇ આવતા દાખલ કર્યાે હતો.
દરમિયાન સિવિલના ડોકટરોની ટીમે ગત તા.૨૭મીએ મૃત્યુંજયને અને સંજયને આજે શનિવારે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બાદમાં શર્મા અને વસાવા પરિવારના સભ્યોને સિવિલના ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી. જેથી મૃત્યુંજયની બે કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં અને સંજયની બે કિડની ગાંધીનગર ખાતેની ખાનગી એપોલો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયારે મૃત્યુંજયના પત્ની નીરાબેન અને પુત્ર આયુષ, પુત્રી રોશનીએ છે. જ્યારે સંજયની માતા ઉર્મિલાબેન, ત્રણ બહેનો કવિતા, સુનિતા અને દક્ષા વસાવા છે.









