જૂનાગઢ પાસે બંધ ડમ્પર પાછળ ઘૂસી જતાં રાજકોટના બે યુવા મિત્રોનાં મોત
ડમ્પર ટ્રાફિકને અડચણ થાય એ રીતે રોડ પર હતું
સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા હતા ત્યારે નવા બાયપાસ પર ગમખ્વાર અકસ્માત, અન્ય ત્રણને ઇજા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ૮૦ ફૂટ રોડ પર આવેલી રજત સોસાયટીમાં રહેતા અને વાંકાનેર મોરબી હાઇવે પર આવેલા કારખાનામાં ખાનગી નોકરી કરતા ઉમેશભાઈ હરિલાલ પરમાર (ઉ.વ.૩૪) અને તેના મિત્રો ભાર્ગવભાઈ ચમનભાઈ ભીમાણી, કેયુરભાઈ વશરામભાઇ વાંસજાળીયા, શિવમભાઈ કાંતિભાઈ બોડા અને સાવનભાઈ પ્રવિણભાઈ ભાલોડીયા ગતરાત્રીના ૧૧ વાગ્યા આસપાસ રાજકોટથી સોમનાથ દર્શન કરવા જવા નીકળ્યા હતા. સાવનભાઈ ભાલોડીયા કાર ચલાવતા હતા. તેની બાજુની સીટમાં શિવમભાઈ બોડા બેસેલ હતા.
આશરે અઢી વાગ્યા આસપાસ નવા બાયપાસ પર વધાવી ગામના પાટિયા પાસે બ્રિજ નીચે કાર ઉતારતા ત્યાં રોડની સાઈડમાં એક ડમ્પર પાર્ક કરેલું હતું, જેમાં રેડિયમના પટ્ટા કે બ્રેક લાઈટ ચાલુ ન હતી. પાછળ આવતી કારના ચાલકે સાઈડ લેવા હોર્ન મારતા સાવનભાઈએ સાઈડમાં લેતા તેની કાર બંધ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં સવાર તમામ મિત્રોને ઇજા થઇ હતી. આસપાસના લોકો અને વાહનચાલકોએ આવી ઇજાગ્રસ્તને બહાર કાઢી ૧૦૮માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડયા હતા. જ્યાં કેયુરભાઈ અને શિવમભાઈને મૃત જાહેર કરાયા હતા. જ્યારે ઉમેશભાઈ, સાવનભાઈ અને ભાર્ગવભાઈને ઇજા થતાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે ઉમેશભાઈ પરમારે ફરિયાદ કરતા તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથ દર્શન કરવા જતી વખતે બે યુવાન મિત્રોના મોત અને ત્રણને ઇજા થતાં ગમગીની વ્યાપી ગઇ હતી.