જામનગર નજીક બાઈક સવાર બે ખેડુત યુવાન પર બે માલધારીઓનો હુમલો : ફેક્ચર સહિતની ઇજા
Jamnagar Crime : જામનગર તાલુકાના બેડ ગામમાં રહેલા અને ખેતી કામ કરતા બે ખેડૂત યુવાનો બાઈક પર જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં પશુઓના ટોળાની બાજુમાંથી બાઈક ચલાવવાના પ્રશ્ને તકરાર કરી બે માલધારી શખ્સો એ લાકડી વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જ્યારે સામા પક્ષે પણ બંને માલધારી યુવાનોએ ખેડૂતો સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક બેડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રામજીભાઈ હરજીભાઈ સોનગરા (ઊ.વ. વર્ષ 31) પોતાના બાઈકમાં અન્ય ખેડૂત રવિભાઈ છગનભાઈ સોનગરાને બેસાડીને પોતાની વાડીએ પાણી વાળવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન રસ્તામાં ઘેટા બકરા લઈને જઈ રહેલા હરધ્રોળભાઈ સામતભાઈ રબારી, તેમજ રાજાભાઈ સામતભાઈ રબારી કે જે બંને માલધારી શખ્સોએ અહીંથી મોટરસાયકલ કેમ ચલાવો છો, તેમ કહીને તકરાર કરી હતી. ત્યારબાદ બંને લોકોએ લાકડી વડે ખેડૂત યુવાનો પર હુમલો કરી દેતાં બંનેને ફેક્ચર સહિતની ઈજા થઈ છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ ઉપરાંત સામા પક્ષે પણ હરધ્રોળભાઈ સામતભાઈ મોરીએ પોતાના ઉપર તેમજ રાજાભાઈ ઉપર છરીને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની બંને ખેડૂતો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.