વડોદરા નંદેસરી જીઆઇડીસીમાં આવેલી બેઝિક ઈન્ટરનેશનલ કંપનીમાં ગેસ ગળતરથી બે કામદારના મોત
વડોદરા, તા. 26 સપ્ટેમ્બર 2021 રવિવાર
વડોદરા નજીક નંદેસરી જીઆઇડીસીમાં આવેલી બેઝિક ઇન્ટરનેશનલ કંપનીમાં આજે મધ્યરાત્રિના ત્રણ વાગ્યાના સુમારે ગેસ ગળતર થતાં બે કામદારના મોત નીપજ્યા હોવાના બનાવથી નંદેસરી ફાયર બ્રિગેડ અને નંદેસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.
મધ્યરાત્રીના ત્રણ વાગ્યાના બેઝિક ઈન્ટરનેશનલ કંપનીના એક પ્લાન્ટમાં ગેસ ગળતર થતાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.
ગેસ ગળતરને કારણે નંદેસરીના રહેવાસી ભાવેશ શાહ અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાઉ ગામના અલ્પેશ પઢીયારની તબિયત વધુ લથડી હતી. જેથી તેઓ બંનેને સારવાર માટે શરૂઆતમાં છાણી સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડોકટરે બંને કામદારને મૃત જાહેર કર્યા હતા.
આ બંને કામદારના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ બનાવ અંગે નંદેસરી પોલીસે કંપનીમાં ગેસ ગળતર ને કારણે નિષ્કાળજી રાખવા બદલ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.