ખંભાતના સોખડામાં કંપનીમાં ગેસ ગળતરથી બે શ્રમિકના મોત
- પ્લાન્ટનો ટાંકો સાફ કરતા દુર્ઘટના બની
- અન્ય બે શ્રમિકો આઈસીયુમાં : એકતા ફ્રેશ ફૂડ કંપનીના માલિકો વિરૂદ્ધ ગુનો નોંધવા પરિવારની માંગ
ખંભાત તાલુકાના સોખડા ગામમાં ફૂડ બનાવતી એકતા ફ્રેશ ફૂડ કંપનીના ઇટી (એફ્લ્યુન્ટ ટ્રીટમેન્ટ) પ્લાન્ટમાં આવેલા ટાંકામાં ગંદા કચરાનો ભરાવો થતા સાફ-સફાઈ માટે બે શ્રમિકો ટાંકામાં ઉતર્યા હતા. દરમિયાન ટાંકામાં સફાઈ માટે ઉતરેલા કિસન સુરેશભાઈ બારૈયા (ઉં.વ. ૨૭) અને અરવિંદભાઈ બાબુભાઈ (ઉં.વ. ૬૩) ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા હતા. બંનેને ઝેરી ગેસની અસર થતા બેભાન થઈ ગયા હતા. ટાંકામાં ઉતરેલા બંને શ્રમિકોને ઢળી પડેલા જોઈ નજીકમાં હાજર કિશનભાઇ સોમાભાઈ પઢીયાર (ઉં.વ. ૩૨) અને રમેશભાઈ વિઠ્ઠલભાઈ ભોઈ (ઉં.વ. ૩૯) બંને શ્રમિકો પણ ટાંકામાં ઉતર્યા હતા. જ્યાં ઝેરી ગેસની અસર લાગતા કિશનભાઇ પઢીયાર અને રમેશભાઈ ભોઈ પણ બેભાન થઈ ગયા હતા. આ ઘટનાને લઇ કંપનીમાં હાજર અન્ય શ્રમિકો તથા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટાંકામાં ઉતરેલા ચાર શ્રમિકોને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ટાંકામાં ઉતરેલા કિસન સુરેશભાઈ બારૈયા અને અરવિંદભાઈ બાબુભાઈનું ઝેરી ગેસની અસરથી મોત થયું હતું. જ્યારે કિશનભાઇ પઢીયાર તથા રમેશભાઈ ભોઈને ઝેરી ગેસની અસર થતા તેઓને ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરાયા હતા.
કંપનીમાં ઝેરી ગેસની અસરથી બે શ્રમિકોના મોત થતા મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ભારે આક્રંદ સાથે કંપનીના માલિકો સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. ન્યાયની માંગણી સાથે પરિવારજનોએ મૃતદેહ નહીં સ્વીકારવાનું કહેતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરિવારજનોને સમજાવ્યા બાદ મૃતદેહોને પોસ્ટમોટમ અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
ખંભાત કાલુકામાં કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાનો આક્ષેપ
ખંભાત તાલુકામાં કેમિકલનું ઉત્પાદન કરતી સંખ્યાબંધ કંપનીઓ આવેલી છે. કેટલીક કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી તથા ગેસ વાતાવરણમાં છોડવામાં આવતા વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મૌન સેવી રહ્યું છે. કેટલીક કંપનીના માલિકો સાથે તંત્રની સાઠ ગાંઠ હોવાનું પણ ચર્ચા કરી રહ્યું છે. પ્રદૂષણ ઓકતી કેટલીક કંપનીઓ સામે ભૂતકાળમાં કેટલાક ગામના લોકો દ્વારા વિરોધ પણ કરાયો હોવાની ઘટનાઓ બની છે.