Get The App

પડાણામાં કંપનીમાં વેલ્ડિંગ કરતા બે કામદારોના નીચે પટકાતા મોત

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
પડાણામાં કંપનીમાં વેલ્ડિંગ કરતા બે કામદારોના નીચે પટકાતા મોત 1 - image

કંપનીની બેદરકારીના કારણે બે લોકોના જીવ ગયા 

કોઈ મજૂરે અચાનક કેમિકલ છોડી દેતા અચાનક બ્લાસ્ટ થયો અને કામદારો તેનો ભોગ બન્યા

ગાંધીધામ: ગાંધીધામનાં પડાણા ખાતે આવેલી ખાનગી કંપનીમાં ઘોર બેદરકારી સામે આવી છે. વગર કોઈ સેફ્ટીએ કંપનીનાં ટેન્ક પર વેલ્ડિંગ કામ કરતા બે મજૂરોનું ટેન્કમાં બ્લાસ્ટ થતા નીચે પટકાઈ જઈ તેમનું કરુણ મોત થયુ છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં પડાણાની સીમમાં આવેલી રુદ્રાક્ષ કેમિકલ નામની કંપનીમાં સવારનાં અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં કંપનીમાં જ રહેતા બે કામદારો ૨૮ વર્ષીય ચંદન દિલીપભાઈ દાસ અને ૩૦ વર્ષીય પ્રણબ ઉત્તમભાઈ ડિંડા કંપનીનાં પ્લાન્ટમાં બનતા નવા ટેન્ક પર ચડી વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા. ત્યારે વેલ્ડિંગ કામ કરતી વેળાએ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થતા તેઓ ઉપરથી નીચે પટકાઈ ગયા હતા. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા તેમને સારવાર મળે તે પહેલા બે કામદારો ચંદન અને પ્રણબનું મોત થયુ હતુ. જેમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતુ.

આ અંગે સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે,  પડાણાની રુદ્રાક્ષ કેમિકલ કંપનીમાં કેમિકલનાં સ્ટોરેજ માટે નવા ટેન્ક બની રહ્યા છે. જેમાં મરણજનાર બે કામદારો તેમાં વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા. ટેન્ક પર ચડી જોખમી રીતે કામ કરતી વેળાએ કંપની દ્વારા કામદારોને કોઈ પણ પ્રકારની સેફટી આપવામાં આવી ન હતી. દરમિયાન ટેન્ક પર ચડેલા બે કામદારો જ્યારે વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા. ત્યારે કંપનીનાં જ કોઈ મજુરે બેદરકરી પૂર્વક તેમની પરવાહ કર્યા વગર ટેન્કમાં કેમિકલ છોડી દીધું હતુ. જેમાં કેમિકલ વેલ્ડિંગનાં સંપર્કમાં આવતાની સાથે ટેન્કમાં બ્લાસ્ટ થયુ હતુ. જેથી બે કામદારો ટેન્ક ઉપર થી નીચે પટકાઈ ગયા હતા અને તેમનું કરુણ મોત થયુ હતુ. કંપનીનાં ટેન્કમાં બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે, લગભગ ૨ કિમિ દૂર આવેલા પડાણા ગામનાં ગ્રામજનોને અવાજ સંભળાયો હતો અને તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ પોતાની બેદરકારી અને પોલ ખુલવાની બીકે કંપનીનાં સિક્યુરિટી ગાર્ડે ગામલોકોને  કંપની અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યા ન હતા.