ખેડા સિવિલ હોસ્પિટલની છતમાંથી પોપડાં પડતાં બે મહિલા ઈજાગ્રસ્ત
- જર્જરિત સ્થિતિથી મોટા અકસ્માતનો ભય
- સોનોગ્રાફી વિભાગ બહાર દર્દીઓના સગા જમવા બેઠા હતા ત્યારે અજાનક મોટા પોપડા ધસી પડાં
ખેડામાં ગતરોજ બપોરના સમયે હોસ્પિટલના રૂમ નંબર ૨૨, જે સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટનો રૂમ છે, તેની બહાર દાખલ દર્દીના બે સગાં જમવા માટે બેઠા હતા. દરમિયાન અચાનક જ છજાના ભાગમાંથી મોટા પોપડા નીચે ધસી પડયા હતા.
પોપડા સીધા જ નીચે બેઠેલી બે મહિલાઓ પર પડતા તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક હોસ્પિટલ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઘટના બાદ મહિલાઓના પરિવારજનોમાં પણ સ્વાભાવિક રીતે જ ચિંતા અને ભયની લાગણી વ્યાપી ગઈ હતી.
આ બનાવની જાણ થતા જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, યુદ્ધના ધોરણે છજાના ક્ષતિગ્રસ્ત ભાગની મરામતની કામગીરી બીજા જ દિવસથી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ ઘટના માત્ર એક સપાટી પરની સમસ્યા નથી. સ્થાનિક લોકો અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ લાંબા સમયથી આ મકાનની જર્જરિત અવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક જગ્યાએ તિરાડો, ભેજ અને પોપડા ખરવાના કિસ્સાઓ અગાઉ પણ બન્યા હોવાનું કહેવાય છે.