Gujarat

સોજીત્રાના દેવા તળપદ ગામના મકાનના દાદરા ધરાશાયી થતા બે મહિલાના મોત

By GS TEAM
19 Jun 20251 min read
સોજીત્રાના દેવા તળપદ ગામના મકાનના દાદરા ધરાશાયી થતા બે મહિલાના મોત

- આણંદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે

- પડોશમાં રહેતી મહિલાઓ દાદર પર બેસી વાતો કરતી હતી : આરસીસીના દાદરના કાટમાળ નીચે દબાઈ જતા મૃત્યુ

આણંદ : આણંદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામના લક્ષ્મીપુરા ખાતે ગતરોજ મકાનના દાદરા ધરાશાયી થતા બે મહિલાઓના મોત નિપજ્યા હતા.  આણંદ જિલ્લામાં ગત શનિવાર સમી સાંજથી વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારબાદ સતત ત્રણ દિવસ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું. 

ગતરોજ વરસાદી માહોલ વચ્ચે સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામના લક્ષ્મીપુરા ખાતે આવેલા ભરતભાઈ મેલાભાઈ ગોહેલના મકાન નજીક તેમના પત્ની મંજુલાબેન ગોહેલ અને પાડોશી ગીતાબેન પ્રભાતભાઈ ગોહેલ (ઉં.વ.૫૫) બેઠા વાતો કરતા હતા. અચાનક મકાનની બાજુમાં આવેલા આરસીસીના દાદરા ધરાસયી થઈ ગયા હતા. બંને મહિલાઓ દાદરના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જેને લઇ આસપાસમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે બંને મહિલાઓનું કાટમાળ નીચે દબાઈ જવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ સોજીત્રા પોલીસને થતા પોલીસની ટીમ તથા ગામના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે બંને મહિલાઓના મૃતદેહનો કબજો મેળવી અપમૃત્યુની નોંધ નોંધી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.