Get The App

સ્ટોરમાંથી હેર કંડિશનર, બોડી સ્પ્રે, કાજુ-બદામ ચોરતા બે મહિલા પકડાઈ

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
સ્ટોરમાંથી હેર કંડિશનર, બોડી સ્પ્રે, કાજુ-બદામ ચોરતા બે મહિલા પકડાઈ 1 - image


રાજકોટના ડી માર્ટમાંથી રૂા. ૫ હજારની ચીજોની તફડંચીની ફરિયાદ

અગાઉ ઘીનાં પાઉચ ચોરી કર્યાનું આળઃ જો કે બંનેએ ચોરીના આરોપ નકારી કાઢીને કહ્યું, 'સ્ટોરનાં સંચાલકોએ ખોટી ફરિયાદ નોંધાવી છે'

રાજકોટ: કાલાવડ રોડ પરનાં ક્રિસ્ટલ મોલ સ્થિત ડી માર્ટમાં ગઇકાલે ખરીદી કરવા ગયેલી મોનાબેન હિતેનભાઈ શાહ (રહે. શ્રમજીવી સોસાયટી) અને પ્રિતીબેન હિતેશભાઈ શાહ (રહે. લક્ષ્મણ ટાઉનશીપ, આરએમસી ક્વાર્ટર) વિરુધ્ધ રૂા. ૫૧૪૨ની વસ્તુઓની ચોરી કર્યાની ગાંધીગ્રામ-૨ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જો કે બંને મહિલાઓએ ચોરીના આરોપને નકારી, સ્ટોરનાં સંચાલકોએ ખોટી રીતે ફરિયાદ નોંધાવડાવ્યાનો આક્ષેપ કર્યો છે.

મોચીનગર શેરી નંબર ૨માં રહેતા વસીમભાઈ મન્સુરી ડી માર્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ તા. ૨૬નાં રોજ ઘીના પાઉચ ચેક કરતાં ૧૨ નંગ પાઉચ ઓછા મળ્યા હતાં, જેથી સીસીટીવી કેમેરા ચેક કરતાં સ્ટોરમાં આગલા દિવસે આવેલી બે મહિલાઓ ઘીના પાઉચ થેલીમાં રાખતી હોવાનું નજરે પડયું હતું. 

ગઇકાલે સાંજે તે સ્ટોરમાં નોકરી પર હતા તે વખતે બે મહિલાઓને ખરીદી કરતા જોયા હતા. તેમાંથી એક અગાઉ ઘીના પાઉચ થેલીમાં રાખતા હોવાનું દેખાયું હતું તે જ હતા, જેથી બંને મહિલાઓ પર વોચ ગોઠવી દીધી હતી. આ બંને મહિલાઓએ ખરીદેલી વસ્તુઓનું બિલ રૂા. ૨૭૪૬ હતું. બાદમાં શંકા જતાં બંને મહિલાનાં નામ પૂછ્યા હતાં.

જેમાંથી મોનાબેનનું બિલ ચેક કરાવ્યું હતું. તેનાં બિલ અને ચીજવસ્તુઓની ખરાઇ કરતાં અમુક વસ્તુઓ બિલ મુજબની હતી. જ્યારે બાકીની ૧૫ આઈટમ કે જેમાં હેર કલર, બોડી સ્પ્રે, બદામનું પેકેટ, કાજુનું પેકેટ, હેર કંડીશનર, ટૂથ પેસ્ટ, શેમ્પુ, ઇલાયચીનું પેકેટ, ચોકલેટ વગેરેનું બીલ બનાવડાવ્યું ન હતું. જેની કિંમત રૂા. ૫૧૪૨ થતી હતી.

આ બાબતે મોનાબેનને પુછતાં યોગ્ય જવાબ આપી શક્યા ન હતાં. જ્યારે પ્રિતિબેને અગાઉ ઘીના પાઉચ લીધા હતા. તે બાબતે જવાબ આપી શક્યા ન હતા. આ પછી  બંને મહિલાઓ સામે પોલીસ મથકે જઇ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

જો કે, બંને આરોપી મહિલાઓએ ચોરીનાં આરોપો નકારી કાઢી કહ્યું કે, તેમણે બે બિલ બનાવડાવ્યા હતાં. ત્રીજુ બિલ બનાવડાવતા હતા ત્યારે સ્ટોરનાં સંચાલકોએ ધસી આવી ચોરીનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં તેમણે કપડાનું ચેકીંગ કર્યું હતું પરંતુ એક પણ વસ્તુ મળી ન હતી.

વધુમાં આ બંને મહિલાઓએ સ્ટોરનાં સંચાલકો હવે તેમનો સામાન પરત નહીં કરી રહ્યાનો આક્ષેપ કરી  તેમનાં વિરૂધ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.


Tags :