Gujarat

શહેરમાં દશેરાના દિવસે ૬૦૦૦થી વધારે ટુ વ્હીલર અને ૧૦૦૦થી વધુ કારનું વેચાણ

By GS TEAM
2 Oct 20252 mins read
શહેરમાં દશેરાના દિવસે ૬૦૦૦થી વધારે ટુ વ્હીલર અને ૧૦૦૦થી વધુ કારનું વેચાણ

વડોદરાઃ જીએસટીમાં થયેલા ઘટાડાના કારણે દશેરાના દિવસે શહેરના ઓટો મોબાઈલ માર્કેટમાં તેજી જોવા મળી હતી.આજે ૬૦૦૦ કરતા વધારે ટુ વ્હીલર અને ૧૦૦૦ કરતા વધારે કારનું વેચાણ થયું હોવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.

ટુ વ્હીલર અને ફોર વ્હીલરના શો રુમો પર આજે દિવસ દરમિયાન વાહનોની ડિલિવરી લેવા માટે ભીડ જોવા મળી હતી.ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર એસોસિએશન ઓફ ઈન્ડિયાના સભ્ય કિન્નર ગાંધીનું કહેવું છે કે, વડોદરામાં ગત વર્ષ કરતા દશેરના દિવસે  ટુ વ્હીલર અને કારના વેચાણમાં ૨૦ થઈ ૨૫  ટકા વધારાનો અંદાજ છે.જેની પાછળનું મોટામાં મોટુ પરિબળ જીએસટીમાં ઘટાડો છે.

જીએસટી ઘટવાના કારણે ટુ વ્હીલરના ભાવમાં સરેરાશ ૭૦૦૦ થી ૧૫૦૦૦ રુપિયા સુધીનો ઘટાડો થયો છે અને ચાર મીટરથી ઓછી લંબાઈવાળી ગાડીઓના ભાવ ૬૦૦૦૦ રુપિયાથી માંડીને દોઢ લાખ રુપિયા સુધી ઘટયા છે. આવી  કારની કિંમત લગભગ ૭ લાખ થી ૧૨ લાખ રુપિયા વચ્ચે હોય છે.મોટાભાગે આજે આ જ સેગમેન્ટમાં ગાડીઓનું વેચાણ વધારે થયું છે.તેમનું કહેવું છે કે, ઓટોમોબાઈલ માર્કેટની તેજી આખુ વર્ષ યથાવત રહે તેમ લાગે છે.ગુજરાત અને વડોદરાના ડિલરો ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦ ટકા વધારે વાહનોનું વેચાણ કરે તેવો અંદાજ છે.

રાત્રે ૧૦ વાગ્યા સુધી શો રુમ ખુલ્લા, ૧૫ થી ૨૦ ટકા ગ્રાહકોએ ઓન ધ સ્પોટ ખરીદી કરી 

ટુ વ્હીલર અને ફોર વ્હીલરના મોટાભાગના શો રુમ સામાન્ય રીતે રાત્રે આઠ વાગ્યા સુધીમાં બંધ થઈ જતા હોય છે પણ આજે ધસારાના કારણે સવારે નવ વાગ્યાથી લઈને રાત્રે ૧૦ વાગ્યા સુધી શો રુમો ખુલ્લા રહ્યા હતા.ટુ વ્હીલરના શો રુમો પર તો ૧૫ થી ૨૦ ટકા ગ્રાહકો એવા હતા જેમણે અગાઉથી વાહન બૂક નહોતું કરાવ્યું પણ આજે ને આજે  વાહન ખરીદવા માટે પહોંચી ગયા હતા અને ચારેક કલાક રાહ જોઈને ટુ વ્હીલર લઈને ગયા હતા.ઘણા ડિલરોનો સ્ટોક ખતમ થવાના આરે પહોંચ્યો હતો.