કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન

વડોદરા,મોડીરાતે ફતેપુરાથી ભાંડવાડા તરફ જવાના રોડ પર ટુ વ્હિલર ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બેભાન અવસ્થામાં ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ફતેપુરા ભાંડવાડા માળી મહોલ્લામાં રહેતો ૨૮ વર્ષનો નૂરઅહેમદ પાદરા ખાતે ભારત ફેશન નામની દુકાન ચલાવે છે. સવારે ૮ વાગ્યે મોપેડ લઇને તે દુકાને જાય છે અને રાતે ૧૦ વાગ્યે ઘરે પરત આવે છે. ગઇકાલે રાતે તે મોપેડ લઇને ઘરે પરત જતો હતો. તે દરમિયાન ફતેપુરા ચાર રસ્તાથી ભાંડવાડા જતા કાચવાલા હોલની નજીક સ્ટાર સોડા દુકાનની આગળ રોડ પર પૂરઝડપે આવતી એક કારે નૂરઅહેમદના ટુ વ્હિલર ને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. તેને માથા, કાન અને જમણા ગાલ પર ફ્રેક્ચર થતા બેભાન થઇ ગયો હતો. અકસ્માતના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવા એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેઓ તરત જ રિક્ષામાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ, ત્યાં સારવાર કરાવ્યા વગર જ તેઓ ઇજાગ્રસ્તને સારવાર માટે અકોટા બ્રિજ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. હજી તે બેભાન છે. આગામી છઠ્ઠી તારીખે જ તેના લગ્ન નક્કી થયા હતા. તે અગાઉ થયેલા અકસ્માતના પગલે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી ફરાર થઇ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
હિટ એન્ડ રનની ઘટનાના બે કલાક પહેલા
અન્ય એક કાર ચાલક નશાની હાલતમાં ઝડપાયો
સંગમ ચાર રસ્તાથી ફતેપુરા થઇ જૂની આર.ટી.ઓ. કચેરી જતો હતો
વડોદરા,
દિવાળીના તહેવારમાં નશેબાજ વાહન ચાલકોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે સ્થળે રાતે સવા બાર વાગ્યે હિટ એન્ડ રનની ઘટના બની હતી. તે વિસ્તારમાંથી જ કુંભારવાડા પોલીસે રાતે ૧૦ વાગ્યે નશેબાજ કાર ચાલકને ઝડપી પાડયો હતો.આ કાર ચાલક સંગમ ચાર રસ્તા તરફથી ફતેપુરા ચાર રસ્તા થઇ જૂની આર.ટી.ઓ.કચેરી વાળા રોડ તરફ જતો હતો. પોલીસે કાર ચાલક દેવર્શી ચેતનકુમાર શાહ, ઉં.વ.૨૮ (રહે. અરિહંત સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે, આજવા રોડ) ની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.









