વડોદરા,શહેર અને જિલ્લામાં રખડતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માતો થતા હોય છે. બે દિવસ અગાઉ કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા પટકાયેલા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ભાયલીમાં રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર વિદ્યાર્થીને ઇજા પહોંચી છે.
જાંબુવા વુડાના મકાનમાં રહેતા દાજીભાઇ સોમાભાઇ પરમાર ( ઉં.વ.૬૦) તથા મદન ઝાંપા રોડ સોની વાડીમાં રહેતા દિનેશભાઇ મણીલાલ માછી ( ઉં.વ.૪૯) બે દિવસ અગાઉ ટુ વ્હિલર પર કામ માટે જતા હતા. તે દરમિયાન કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા પર ભૂંડ આવી જતા બંને રોડ પર પટકાયા હતા. દાજીભાઇને કપાળ તથા દિનેશભાઇને કપાળ અને જમણા હાથે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દાજીભાઇ પરમારનું આજે સવારે મોત થયું હતું. જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગોત્રી પુષ્પમ એપાર્ટમેન્ટમાં રહેતો ૧૯ વર્ષનો કાવ્ય મકવાણા બી.ટેક. નો અભ્યાસ કરે છે. ગઇકાલે રાતે સાડા અગિયાર વાગ્યે તે બાઇક લઇને દૂધ લેવા નીકળ્યો હતો. તે દરમિયાન ભાયલી પ્રિયા ટોકીઝની સામેરસ્તા વચ્ચે ગાય આવી જતા તે રોડ પર પટકાતા માથા અને જમણા હાથ, પગ પર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હાલમાં તેની તબિયત સુધારા પર છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ સમા વિસ્તારમાં રોડ પર બેઠેલી ગાય સાથે અથડાયેલા બાઇક સવારનુું મોત થયું હતું.


