અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી ગેસ્ટહાઉસમાંથી નીકળતા કપલનો તોડ કરતા બે ઝડપાયા
નકલી પોલીસ ગેંગના ઈસમ અકરમ અંસારી અને મોહસિનખાન પઠાણને પકડીને વાડજ પોલીસને સોંપાયા
Updated: Aug 9th, 2023
અમદાવાદઃ શહેરમાં નકલી પોલીસની ગેંગ સક્રિય થઈ ગઈ છે. જે રસ્તે જતાં લોકોને પોલીસની ઓળખ આપીને દમ મારી તેમની પાસેથી દાગીના અને રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ જાય છે. આવા અનેક કિસ્સાઓ અમદાવાદ શહેરમાં બની રહ્યાં છે. હવે શહેરમાં હોટેલ- ગેસ્ટહાઉસમાંથી નીકળતા કપલનો પીછો કરીને તેમની પાસેથી ક્રાઈમ બ્રાંચના અધિકારીની ઓળખ આપીને તોડ કરનારી ગેંગના બે સભ્યો ઝડપાઈ ગયાં છે.
હોટેલ ગેસ્ટ હાઉસમાંથી નીકળતા કપલનો તોડ કરતા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે સમયે તેમને બાતમી મળી હતી. હોટેલ ગેસ્ટહાઉસમાંથી નીકળતા કપલનો પીછો કરી તેમની પાસેથી પૈસા પડાવી લઈ તોડ કરતા બે ઈસમોની બાતમી મળી હતી. થોડા સમય પહેલાં જ વાડજ વિસ્તારમાં એક વ્યક્તિને ક્રાઈમ બ્રાંચના અધિકારીની ઓળખ આપીને પૈસા પડાવી લેનાર નકલી પોલીસ ગેંગના ઈસમ અકરમ અંસારી અને મોહસિનખાન પઠાણને પકડીને વાડજ પોલીસને સોંપવામાં આવ્યા હતાં.
57 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે તેમની પાસેથી બાઈક, મોબાઈલ અને રોકડા રૂપિયા મળીને કુલ 57 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અકરમ અંસારીએ એક સપ્તાહ પહેલાં શિલજ ખાતે એક કપલનો તોડ કર્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. જ્યારે મોહસિનખાન વિરૂદ્ધ કાગડાપીઠ, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસની ઓળખ આપવાના તથા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો હતો.