કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ
આરોગ્ય અને ડ્રગ્સ વિભાગના આંખ આડા કાન
માત્ર ૫૦૦-૬૦૦માં શ્રીનાથજી મેડિકલ સ્ટોર્સ અને વડોલના આયુષ્યમાન દવાખાના સામે દવાનું વેચાણ
કપડવંજ તાલુકાના વડોલ ગામમાં ગત રોજ માત્ર રૂા. ૫૦૦માં ગર્ભપાતની ગોળીઓ વેચતો તેમજ દવાની કિંમત જણાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કપડવંજ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો અને આરોગ્ય વિભાગને અંધારામાં રાખી આયુષ્યમાન દવાખાનાની સામે અજીત નામનો શખ્સ ગર્ભપાતની દવા વેચવાના ગોરખધંધા કરતો હોવાનું અગાઉ પણ કપડવંજ આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી. આ અંગે કપડવંજ તાલુકાના તોરણાના આરોગ્ય વિભાગના તપાસનીશ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, આ અંગે સ્થળ તપાસ કરતા તાળું હતું અને કોઈ ક્લિનિક કે દવાખાનાનું બોર્ડ ન હતું. મકાન માલિક બહાર રહે છે. આજે પણ તપાસ કરતા કોઈ હાજર ન હતું. ગ્રામજનોએ પણ આ બાબતે કોઈ માહિતી આપી ન હતી. કપડવંજ ખાતે શ્રીનાથજી મેડિકલ સ્ટોર્સમાં ગેરકાયદે ગર્ભપાત માટે એમપીટી ગોળીઓ રૂા. ૬૦૦મા વેચાણ કરતો અન્ય એક વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારે તાલુકાના સંખ્યાબંધ મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની હાજરી વગર નશાકારક કફ સીરપનું બેરોકટોક ગેરકાયદે વેચાણ થતું હોવા છતાં જિલ્લા ડ્રગ્સ વિભાગ નિંદ્રાધિન હોવાનું લોકો કહી રહ્યા છે. આ બાબતે જિલ્લા ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેકટર શિરીષ ગણાસવાએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો પ્રાપ્ત થયો છે પરંતુ, હાલ દિલ્હીથી ઓડિટ ટીમ આવેલી છે. ઓડિટ કાર્યવાહી પુર્ણ થતા અમે શ્રીનાથજી મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ યોગ્ય તપાસ કાર્યવાહી હાથ ધરીશું.