વડોદરાના વોર્ડ 13 માં બે અર્બન હેલ્થ સેન્ટર એક જ સ્થળે ચલાવતા લોકોને ભારે મુશ્કેલી
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું શહેરના વહીવટી વોર્ડ નંબર 13માં એક લાખથી વધુની વસ્તી વચ્ચે બે અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર એક જ મકાનમાં ચાલતું હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. વોર્ડ નંબર 13 નો વિસ્તાર ખૂબ મોટો છે. લોકોને એક છેડેથી લાંબા થઈને આ સેન્ટર ખાતે આવવું પડે છે. લોકોની તકલીફ દૂર કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર બે અલગ સ્થળે શરૂ કરવાની માંગણી કોર્પોરેશનની સમગ્ર સભામાં કરવામાં આવી હતી.
અગાઉ આ વોર્ડમાં નવાપુરા અને સિયાબાગ એમ બે સ્થળે અર્બન હેલ્થ સેન્ટર ચાલતા હતા, પરંતુ તે બંધ કરી દેવામાં આવ્યું હતું, અને આઝાદ મેદાન ખાતેના મકાનમાં લઈ જવા આવ્યું હતું. જ્યાં હાલમાં એક સાથે બે અર્બન હેલ્થ સેન્ટર ચાલે છે. સિયાબાગનું હેલ્થ સેન્ટર બનાવવા માટે છેલ્લા દસ વર્ષથી વાતો થાય છે, પરંતુ કશું ચોક્કસ કામ થઈ શકતું નથી. અગાઉ સિયાબાગનું સેન્ટર જે હાથી પોળના નાકે રાજમહેલ રોડ પર હતું તે બંધ કરી દેવામાં આવ્યું છે. બે હેલ્થ સેન્ટર અલગ પાડી જુદા જુદા સ્થળે ચાલુ કરવામાં આવે તો લોકોને સારવાર માટે, જન્મ મરણના દાખલા લેવા કે પછી આરોગ્ય લગતી સેવા લેવા મેળવવા રાહત રહે. કોર્પોરેશન હવે નવું મકાન બનાવી અથવા તો કામ ચલાવ ધોરણે બીજી કોઈ જગ્યાએ બીજું સેન્ટર ચાલુ કરવા માંગણી કરી હતી.