સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મકાનની દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો દટાયા, બેના કરુણ મોત
Khedbrahma, Sabarkantha News : ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવતી હોય છે. તેવામાં સાબરકાંઠાના ખેડબ્રહ્યા પંથકમાં પણ ઘણા સમયથી ભારે વરસાદ ખાબકી છે, ત્યારે રતનપુર ગામમાં ભારે વરસાદને લીધે એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બે બાળકોના મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.
મકાનની દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો દટાયા, બેના કરુણ મોત
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠામાં છેલ્લા પખવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદી ભેજના કારણે રતનપુર ગામમાં ગત રાત્રે મકાનની માટીની દીવાલ પડી હતી. આ દરમિયાન ઘરની આગળ રહી રહેલા ત્રણ બાળકો દીવાલ નીચે દટાયા હતા.
આ દુર્ઘટનામાં એક બાળક અને એક બાળકી સહીત 2ના મોત થયા છે. બંનેની ઉંમર 7 વર્ષની અંદરની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ખેરોજ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.