Gujarat

નડિયાદમાં પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

By GS TEAM
3 Jul 20252 mins read
નડિયાદમાં પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

- મનપાની 3 ટીમો દ્વારા પાણીના નિકાલ માટે

- અવરોધરૂપ દબાણો પણ હટાવાયા : નવી ચેમ્બર અને પ્લેટફોર્મ ફાળવવા સાથે ગંદકી ન થાય તે માટે તાકીદ

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાએ ચોમાસુ શરૂ થયા બાદ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા માટે હવે પ્રયાસ શરૂ કર્યા છે. ત્યારે આજે પારસ સર્કલ પાસે વરસાદી લાઈનો અવરોધાતી હતી ત્યાં દબાણો અને ગંદકી દૂર કરી વરસાદી લાઈનની સફાઈ હાથ ધરી હતી.

નડિયાદના પારસ સર્કલ પાસે આજે વહેલી સવારે જ મહાનગરપાલિકાના ત્રણ વિભાગોની ટીમો પહોંચી હતી. જ્યાં દબાણ વિભાગે પારસ સર્કલ નજીક ગેરકાયદે ગલ્લાં અને ઓટલાં સહિતના દબાણો દૂર કર્યા હતા. દબાણો હટાવ્યા બાદ સેનેટરી વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી કાદવ અને ગંદકીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. લગભગ બે ટ્રેક્ટર જેટલો કચરો દૂર કરાયો હતો. સમગ્ર કામગીરી બાદ વરસાદી લાઈનનો મુખ્ય પોઈન્ટ ખુલ્લો કરીને ચોકઅપ થયેલી વરસાદી લાઈનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. હાલ તો, નડિયાદમાં વરસાદી કાંસની ૮૦ ટકા જેટલી સફાઈ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચાલુ વરસાદ દરમિયાન પણ પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત વરસાદી કાંસોની સફાઈ શરૂ કરાઈ છે.  ભવિષ્યમાં આ સ્થળે પુનઃ ગંદકી અને દબાણ જેવી સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ વિશેષ આયોજન કર્યંં છે. ચેમ્બર ઉપર પ્લેટફોર્મ બનાવીને સિમેન્ટનું ઢાંકણું નાખીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે સેનેટરી વિભાગને આ સ્થળે ગંદકી ન થાય તે માટે પણ તાકીદ કરી હતી. સ્થળ પર આવેલા બે વૃક્ષોની ડાળીઓ વાયરોની વચ્ચે આવેલી છે. 

ત્યારે ભવિષ્યમાં જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે નડતરરૂપ અને જોખમી ડાળીઓ દૂર કરવાની પણ સૂચના આપી હતી. 

ગામતળની જગ્યા હોવાથી દબાણોના કારણે માપણી કરવાની પણ સૂચના 

આજે કામગીરી દરમિયાન અનેક બાબતો ઉડીને આંખે વળગી હતી. જેમાં આ ગામતળની જગ્યા હોવાથી, ખેતા તળાવથી પારસ સર્કલ તરફ જતા માર્ગ પર અનેક સ્થાને દબાણ હોવાનું જણાયું હતું. જેથી ટાઉન પ્લાનિંગ વિભાગને તત્કાલ આ અંગે દબાણ છે કે માલિકીની જગ્યા તે અંગે તપાસ કરવા અને સર્વે કરી રિપોર્ટ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હતી.