જરોદ, તા.પ હાલોલ વડોદરા ટોલ રોડ પર ખંડીવાડા ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાં વડોદરાની ખાનગી સ્કૂલના બે પરપ્રાંતિય શિક્ષકો ગઇ રાત્રે ડૂબી ગયા બાદ લાપત્તા થઇ ગયા છે. ચાર શિક્ષકો પાવાગઢ દર્શન કરીને પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. બીજા દિવસે પણ બંનેની શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો નથી.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ફીનીક્ષ સ્કૂલમાં મેથેમેટિક્સના શિક્ષક વિદ્યુતપ્રકાશ રવિનેદ્ર સિંગે જરોદ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે કે તા.૪ના રોજ ૨૭ વર્ષના મિત્ર શુભમ મિતિલેશકુમાર પાઠક (રહે.શરણમ રેસિડેન્સી, નિઝામપુરા), અશિત જન્મેજય ઓઝા અને રાહુલ વિરેન્દ્ર યાદવ બપોરના એક વાગ્યાની આસપાસ કારમાં વડોદરાથી પાવાગઢ જવા માટે નિકળ્યા હતા. જ્યાંથી ચારેય મિત્રો સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ કારમાં વડોદરા પરત ફરી રહ્યાં હતા.
દરમિયાન રાહુલ યાદવ અને શુભમ પાઠકે ખંડીવાડા કેનાલ પર જઇ થોડીવાર બેસીએ તેમ જણાવ્યું હતું. રાત્રે આશરે સવા નવ વાગ્યાની આસપાસ કાર રોકી હતી. આ વખતે અશિત ઓઝા કારમાં બેસી રહ્યો હતો જ્યારે હું તેમજ શુભમ અને રાહુલ નર્મદા કેનાલની પાળે બેઠા હતા. રાહુલ કેનાલમાં પગ ધોવા માટે ઉતર્યો અને તેનો પગ લપસતા પાણીના વહેણમાં તણાયો હતો. રાહુલને તણાતો જોઇ તેને બચાવવા માટે શુભમ પણ કેનાલમાં કૂદયો હતો.
મને અને અશિતને તરતા આવડતુ ન હોવાથી મદદ માટે બૂમો પાડી અને ૧૧૨ ડાયલ કરી સમગ્ર ઘટનાની જાણ કરતા જરોદ પોલીસ સ્ટેશનનો સ્ટાક બનાવ સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે ફાયર બ્રિગેડ ટીમને પણ જાણ કરાતા કેનાલમાં તણાયેલા બન્ને શિક્ષકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને વધુ સમય વિતી ગયો હોવા છતાં કોઈ પત્તો મળ્યો નથી. પોલીસે જણાવ્યું હતું કે કેનાલમાં પાણીનો વહેણ વધુ હોવાથી તણાયેલા બન્ને શિક્ષકોને પાણીમાં શોધવામાં મુશ્કેલી પડી રહીં છે.
હાલોલ ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા રવિવારે રાત્રે બે વાગ્યા સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સોમવારે સવારથી સાંજ સુધી કેનાલમાં શોધખોળ કરવા છતાં બંન્નેના કોઈ સગડ મળ્યા નથી.


