વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી પાસેના કોફી શોપ નજીક ગત સપ્ટેમ્બર મહિનામાં મારામારીની ચકચારી ઘટના બની હતી.જેમાં આર્ટસ ફેકલ્ટીના એક વિદ્યાર્થી પર કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો.આ મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.
દરમિયાન યુનિવર્સિટીની સિપ્લિનરી કમિટિ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી.જેમાં ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવાયા હતા.મળતી વિગતો પ્રમાણે આ કમિટિ દ્વારા સત્તાધીશોને અહેવાલ સુપરત કરાયો છે.જેમાં મારામારીમાં સંડોવાયેલા બીકોમના બે વિદ્યાર્થીઓને જ્યાં સુધી બીકોમનો અભ્યાસ પૂરો ના થાય ત્યાં સુધી પ્રોબેશન પર મૂકાયા છે.આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના નિયમોનો ભંગ કરશે કે બીજી કોઈ હિંસક ઘટનામાં સંડોવાશે તો તેમની યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવશે.ઉપરાંત તેમણે સારી વર્તણૂંક માટેની લેખિત ખાતરી આપવી પડશે.
જ્યારે અન્ય એક વિદ્યાર્થી પર કાયમી પ્રતિબંધ મૂકાયો છે.તેને હવે યુનિવર્સિટીમાં ક્યારે પણ અને કોઈ પણ કોર્સમાં પ્રવેશ નહીં અપાય.આ વિદ્યાર્થી કમિટિએ શો કોઝ નોટિસ મોકલી હોવા છતા સુનાવણી માટે હાજર રહ્યો નહોતો.સૂત્રોનું કહેવું છે કે, તેનો બીકોમનો અભ્યાસ ૨૦૨૪માં પૂરો થયો હતો પણ મારામારીમાં તે સામેલ હતો.


