અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીઓ મુંબઈથી મળી, કારણ અકબંધ
Ahmedabad News : અમદાવાદના લૉ ગાર્ડન નજીક આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. જોકે, વિદ્યાર્થિનીઓ શાળાના પરિસરમાં આવી પાછળના રસ્તે જતી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના આધારે તપાસ કરતાં બંને વિદ્યાર્થિનીઓ આખરે મુંબઈમાંથી મળી આવી છે. બંને બાળકીએ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે. જ્યારે પોલીસે બંને બાળકીઓને અમદાવાદ પરત લાવવાની કામગીરી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના લૉ ગાર્ડન પાસેની સમર્થ શિક્ષણ સંકુલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની બે દિવસ પહેલા શાળાએથી ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીના વાલીનું કહેવું છે કે, 'અમે બાળકીઓને સવારે 7:30 આસપાસ શાળાએ મુકીને ગયા હતા. જોકે, આ પછી શાળામાંથી ફોન આવ્યો હતો કે, તમારી દીકરી હજુ શાળાએ આવી નથી.' ત્યારબાદ વિદ્યાર્થિનીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શાળા અને અજીકના વિસ્તારના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં વિદ્યાર્થિનીઓ ગુમ થયાના 48 કલાક સુધી કોઈ જાણકારી સામે આવી નથી. બીજી તરફ, બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાનું વાલીઓનું કહેવાથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. અંતે બંને બાળકીઓ સલામત હાલતમાં મુંબઈથી મળી આવી છે, ત્યારે પોલીસે બાળકીઓને ઘરે લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બંને બાળકીઓ મુંબઈ સુધી કઈ રીતે પહોંચીને તેને લઈને હાલ કોઈ જાણકારી સામે આવી નથી.