Gujarat

એસએસવી સ્કૂલની વાન પલટી ખાઈ જતા ૨ વિદ્યાર્થીઓને ઈજા

By GS TEAM
23 Sep 20252 mins read
એસએસવી સ્કૂલની વાન પલટી ખાઈ જતા ૨ વિદ્યાર્થીઓને ઈજા

વડોદરાઃ શહેરના સોમા તળાવ વિસ્તાર પાસે આવેલી એસએસવી સ્કૂલ( શ્રી સ્વામી વિવેકનંદ સ્કૂલ)ના વિદ્યાર્થીઓની સ્કૂલ વાન વડોદરાથી વાઘોડિયા જવાના રસ્તા પર પલટી ખાઈ જતા અંદર બેઠેલી ૨ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી.આ ઘટનાના પગલે અવર જવરથી ધમધમતા આ રોડ પર દોડધામ થઈ ગઈ હતી.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ પૈકી એકના વાલીએ કહ્યું હતું કે, વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી ઈકો વાનનું ે રસ્તામાં ટાયર ફાટતા વાન પલટી મારી ગઈ હતી.વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા.અચાનક સર્જાયેલા અકસ્માતના પગલે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા.વાનમાં બેઠેલા આઠમાંથી બે વદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી.તેમને  નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.નજીવી ઈજા હોવાથી તેમને રજા પણ આપી દેવામાં આવી હતી.રોજ વાનમાં બાર વિદ્યાર્થીઓ જતા હોય છે પણ આજે ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર હતા...

દરમિયાન આ ઘટનાની જાણ થતા વાલીઓ અને સ્કૂલ સંચાલકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.એવું કહેવાય છે કે, વાનના ટાયર સાવ જૂના હોવા છતા ચાલકે તેને બદલવાની તસદી  નહોતી લીધી.સદનસીબે વાન એક તરફ પલટી ખાઈને અટકી ગઈ હતી અને ઉંધી પડી નહોતી.જો ઉંધી પડી હોત તો કદાચ વિદ્યાર્થીઓને વધારે ઈજા પહોંચી હોત.દરમિયાન આ ઘટનામાં સાંજ સુધીમાં કોઈ પોલીસ  ફરિયાદ નોંધાઈ નહોતી.

સ્કૂલ વાન ચાલકો નિયમોને ઘોળીને પી ગયા

ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે અને બેફામ થઈને ડ્રાઈવિંગ કરે છે 

સ્કૂલ વાનનો આ પહેલો અકસ્માત નથી પરંતુ આરટીઓ, પોલીસ અને વહીવટી તંત્ર સ્કૂલ વાનના ચાલકોને નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ પૂરવાર થયું છે.ભૂતકાળમાં સ્કૂલ વાનોને અકસ્માત નડયા હોવા છતા વાન ચાલકો ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે.એટલું જ નહીં મોટાભાગના વાન ચાલકો જોખમી રીતે અને આડેધડ વાન હંકારે છે.જેના કારણે અકસ્માતનો ડર રહેતો હોય છે.ઉપરાંત કેટલીક સ્કૂલ વાનો તો સાવ જૂની પુરાણી હોય છે અને તેના કારણે પણ અકસ્માત થવાનો ભય સતત રહેતો હોય છે.મોટાભાગની સ્કૂલો પાસે બસો નથી હોતી.વાલીઓ પણ મજબૂરીમાં વાનમાં બાળકોને સ્કૂલે મોકલે છે.કારણકે મોટાભાગનાને સ્કૂલ દૂર હોય તો બાળકોેને લેવા મૂકવા જવાનું ફાવે તેવું નથી હોતું.આમ  જોખમ જાણતા હોવા છતા વાલીઓ લાચાર છે.