કપુરાઇ ચોકડી પાસેની હોટલના બે કર્મચારીઓ ૧.૯૫ લાખ રોકડ લઇ રફૂચક્કર
હોટલમાં જ રહેતા બંને પરપ્રાંતિય કર્મચારીઓ કેશ કાઉન્ટરના લોકરો તોડી મળસ્કે ભાગી ગયા
વડોદરા, તા.23 વડોદરા નજીક કપુરાઇ ખાતેની એક હોટલના બે કર્મચારી રાત્રે હોટલનો વકરો સહિત કુલ રૃા.૧.૯૫ લાખની રોકડ લઇને ફરાર થઇ ગયા હતાં.
ગોત્રી વિસ્તારમાં રહેતા મેહુલ અરવિંદ પટેલ કપુરાઇ ગામની સીમમાં સીપ્રા આઇકોન એપાર્ટમેન્ટ પાસે ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝના નામથી કોલ્ડ્રિક્સ ડિલિવરી અને ક્રિષ્ણા નાસ્તા હાઉસ નામે હોટલ ચલાવે છે. તેમની હોટલમાં ત્રણ કર્મચારીઓ છે જેઓ કોલ્ડ્રિક્સની ડિલિવરી તેમજ હોટલમાં કામ કરે છે. બે કર્મચારીઓ હોટલમાં જ ઊંઘી જાય છે જ્યારે ત્રીજો કર્મચારી કપુરાઇ રહે છે.
તા.૧૯ના રોજ રાત્રે અઠવાડિયાના ધંધામાં આવેલ રોકડ રૃા.૧.૭૦ લાખ કેશ કાઉન્ટરમાં મૂકી લોક મારી મેહુલ પટેલ ઘેર જતા રહ્યા હતા બીજા દિવસે રવિવાર હોવાથી હોટલ પર તેઓ ગયા ન હતા અને સોમવારે કપુરાઇ ખાતે રહેતા ત્રીજા કર્મચારી દ્વારા જાણ થઇ કે હોટલમાં રહેતા બે કર્મચારીઓ દિનેશ વક્તાજી માલી (રહે.રુપનગર રેલવે સ્ટેશન પાસે, ઝાલોર, રાજસ્થાન) અને લોહિત ઉર્ફે રાહુલ બાગી (રહે.ટેંગાખટ, જિલ્લો દિબુ્રગઢ, આસામ) બંને હોટલમાં નથી તેમજ કેશ કાઉન્ટરના લોકરો પણ તૂટેલા છે. મેહુલ પટેલે તુરંત હોટલ પર પહોંચીને સીસીટીવી કેમેરા ચેક કરતા મળસ્કે ત્રણ વાગે બંને કર્મચારીઓ રૃા.૧.૯૫ લાખ રોકડ મૂકેલ થેલા લઇને જણાયા હતાં. આ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.