રાણીપમાં રાત્રે દુકાનદારના ગળા પર છરી મુકીને વકરા-બચતની લૂંટ
બે યુવકો સિગારેટ લેવાનું કહીને દુકાનમાં ઘુસ્યા
રાણીપ કામધેનું સોસાયટીની ઘટનાઃ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી
અમદાવાદ,ગુરૂવાર
શહેરના રાણીપમાં આવેલી કામધેનું સોસાયટીમાં ડેરી પાર્લરની શોપમાં બુધવારે રાતના સમયે સિગારેટ લેવા આવેલા બે યુવકોએ વેપારીના ગળા પર છરી મુકીને વકરાની રકમ અને બચતની કુલ રોકડ ૧.૫૫ લાખની લૂટ કરી હોવાની ફરિયાદ રાણીપ પોલીસ મથકે નોંધવામાં આવી છે. રાણીપમાં આવેલી કામધેનુ સોસાયટીમાં આવેલા અનંતસ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા જંયતિભાઇ ડેરૂ કામધેનું સોસાયટીમાં ડેરી પાર્લરનો વ્યવસાય કરે છે.
તે રાતના ૧૧ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખે છે. બુધવારે રાતના તે દુકાન બંધ કરી રહ્યા હતા. ત્યારે તેમના એક જાણીતા વ્યક્તિ થોડીવાર માટે સ્કૂટર લઇને ગયા હોવાથી તે દુકાન પર બેઠા હતા. ત્યારે રાતના સાડા બાર વાગે સ્કૂટર લઇને બે યુવકો આવ્યા હતા. તેમણે સિગારેટની માંગણી હતી. જયંતિભાઇ સિગારેટ આપી રહ્યા હતા ત્યારે એક યુવક દુકાનમાં ઘુસી ગયો હતો. તેણે છરી કાઢીને જંયતિભાઇના ગળા પ મુકીને મારી નાખવાની ધમકી આપીને વકરાની પાંચ હજારની રોકડ અને તેમની બચતના દોઢ લાખની રોકડની લૂંટ કરીને બલોલનગર બ્રીજ તરફ ફરાર થઇ ગયા હતા. આ અંગે રાણીપ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.