રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા
અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ ઠગાઇના આરોપીઓ રેલવે પ્રવાસીઓને જ ટાર્ગેટ કરતા
વડોદરા, તા.4 વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર બહેનના અવસાન નિમિત્તે વતનમાં જતા એક આઘેડને ચપ્પુ બતાવી સોનાના દાગીના લૂંટી તેમજ મોબાઇલમાંથી ઓનલાઇન રૃા.૧.૧૩ લાખ ટ્રાન્સફર કરી લેનાર અમદાવાદ અને રાજકોટના બે ભેજાબાજને રેલવે પોલીસે ઝડપી પાડયા છે.
શહેરના ગોરવા વિસ્તારમાં રિફાઇનરી રોડ પર આવેલ અજયનગરમાં રહેતા મૂળ બિહારના ઉપેન્દ્રકુમાર દિનેશ્વર ગીરી બિહારમાં આસનસોલ જવા માટે તા.૨૦ના રોજ રાત્રે છાયાપુરી રેલવે સ્ટેશન પર આવ્યા હતા આ સમયે બે શખ્સોએ ઉપેન્દ્રકુમારને ચપ્પુ બતાવી ધમકી આપી દાગીના લૂંટી મોબાઇલમાંથી ઓનલાઇન રકમ મેળવી લેતા રેલવે પોલીસમાં લૂંટ અને આઇટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો હતો.
આ ગુનાની તપાસ રેલવે પોલીસ એલસીબી દ્વારા હાથ ધરાઇ હતી. દરમિયાન બંને લૂંટારૃઓના દેખાવ જેવા જ બે શખ્સોને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ના રિઝર્વેશન ઓફિસ પાછળથી ઝડપી પાડી તેઓની પાસેથી લૂંટનો રૃા.૧.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઝડપાયેલા બે શખ્સો સોનુ મનિષ શર્મા ઉર્ફે નજરૃલ જમશેદઅલી શેખ (રહે.ઉમીયા માતાજીના મંદિર પાસે, અસારવા ચકલા, અમદાવાદ, મૂળ પશ્ચિમ બંગાળ) અને નિર્મલ ઉર્ફે અર્જુન ઉર્ફે કાઠીયાવાડી હસમુખભાઇ મૃગ (રહે.કડવા પાર્ટી, અરડોઇ, તા.કોટડા, સાંગાણી, જિલ્લો રાજકોટ)ની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. ઝડપાયેલો સોનું અગાઉ ઠગાઇના ગુનામાં સુરત અને અમદાવાદમાં પણ ઝડપાયો છે જ્યારે નિર્મળને સુરત અને રાજકોટ પોલીસે પકડયો હતો.