Gujarat

ભાયલી ગેંગ રેપ કેસમાં બે પીએસઆઇની જુબાની લેવાઇ

By GS TEAM
17 Dec 20251 min read
ભાયલી ગેંગ રેપ કેસમાં બે પીએસઆઇની જુબાની લેવાઇ

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે આજે આ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન બે પીએસઆઇની આજે કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી.

ગત વર્ષે નવરાત્રિના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧.૩૦ કલાકે  પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં હાલ ચાલી રહી છે ત્યારે આજે તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ પી.કે.ભૂત અને પીએસાઇ ગોહીલની જુબાની લેવામાં આવી હતી.

પીએસઆઇ ગોહિલે ડીસીબી પાસેથી આરોપીઓનો કબજો મેળવ્યો હતો અને ગેંગ રેપ કેસની ફરિયાદ પણ તેમણે લીધી હતી અને ૧૮૩ મુજબના નિવેદન માટેની યાદી પણ તેમણે કરી હતી. જ્યારે પીએસઆઇ ભૂતે આરોપીઓ ફરાર થઇ ગયા હોઇ વિવિધ દુકાનોના સીસીટીવી  ફૂટેજ કબજે કર્યા હતા તેમજ તપાસમાં પણ તે સામે હતા.આજની સુનાવણીમાં વડોદરાના મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ, સુરતના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા તેમજ સ્પેશ્યલ સરકારી વકીલ શૈલેષ પટેલ હાજર રહ્યા હતા.