ડભોઇમાં શિક્ષકોની શરાફી મંડળીની કચેરીમાં એસીબીની ટ્રેપ બે આચાર્ય અને બે નિવૃત્ત શિક્ષક ૨૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

વડોદરા, તા.2 ડભોઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી નહી કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણી બાદ તાલુકાની શાળાના આચાર્યો પાસે રૃપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી ત્યારે એક શાળાના આચાર્યએ એસીબીમાં ફરિયાદ કરતાં ગોઠવેલા છટકામાં બે આચાર્ય, બે નિવૃત્ત શિક્ષક રૃા.૨ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા જ્યારે મહિલા ઓડિટરની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ તાલુકામાં કુલ ૨૦ ગૃપ પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓનું વર્ષ ૨૦૨૧-૨૨નું ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઇ સોલંકી (રહે.ગોત્રી) દ્વારા મે-૨૦૨૫માં કરવામાં આવ્યું હતું. દરેક શાળાના આ ઓડિટમાં કોઇ ક્વેરી નહી કાઢવા માટે વસઇ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલે એક ગૃપ શાળાના રૃા.૨ હજાર પ્રમાણે ૨૦ ગૃપ શાળાઓ માટે ઓડિટરને રૃા.૪૦ હજાર આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગૃપ આચાર્યો પાસે રૃા.૨ હજારની માંગણી કરી હતી.
શૈક્ષણિક સંસ્થાના ઓડિટ માટે લાંચ આપવી પડે તે યોગ્ય નહી હોવાથી એક આચાર્યએ રૃા.૨ હજાર લાંચ નહી આપવાનું નક્કી કર્યું હતું અને આ અંગે નર્મદા ભવનના સાતમા માળે આવેલી એસીબી કચેરીમાં ફરિયાદ કરી હતી જેથી નાયબ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.જે. ચૌહાણ તેમજ સ્ટાફે ડભોઇમાં આવેલી ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું.
ફરિયાદ કરનાર ગૃપ આચાર્યએ રૃા.૨ હજાર લાંચની રકમ ઘનશ્યામભાઇ પટેલને આપી હતી અને ઘનશ્યામભાઇએ આ રકમ ઓફિસમાં બેસેલ નિવૃત્ત શિક્ષક બુધ્ધિસાગર સોમાભાઇ પટેલને આપી હતી. બાદમાં બુધ્ધિસાગરે લાંચના પૈસા મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી (રહે.ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા આચાર્ય)ને આપ્યા બાદ તેમણે નિવૃત્ત શિક્ષક મુકુંદભાઇ બાબુભાઇ ચૌહાણને આપ્યા હતાં.
બાબુભાઇએ લાંચની આ રકમ અન્ય આચાર્યો દ્વારા આવેલા રૃા.૧૪ હજારની સાથે એક ચિઠ્ઠીમાં લખી તેને ગડી વાળી પોતાની પાસે રાખેલ. આ સાથે જ એસીબીએ દરોડો પાડી ચારેયને રંગે હાથ ઝડપી પાડયા હતાં. દરમિયાન ઘનશ્યામભાઇએ ઓડિટર જયશ્રીબેન સોલંકીને ફોન કરી પૈસા આવી ગયા છે તેમ કહ્યું હતું. એસીબીએ આ અંગે શિક્ષકો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ચારેયની અટકાયત કર્યા બાદ મહિલા ઓડિટર જયશ્રીબેનને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.









