Gujarat

મહુવાના પ્રસિદ્ધ ભવાની મંદિરના બે પુજારીએ જ મંદિરમાં ચોરી કરી

By GS TEAM
26 Jun 20251 min read
મહુવાના પ્રસિદ્ધ ભવાની મંદિરના બે પુજારીએ જ મંદિરમાં ચોરી કરી

મહુવા પોલીસ મથકમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો

મંદિરમાં આવેલો ચડાવો, રોકડ અને સાડીઓની ચોરી કરી હોવાનું સીસીટીવીમાં કેદ

ભાવનગર: મહુવાના પ્રસિદ્ધ ભવાની મંદિરના બે પુજારીએ મંદિરમાં ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ મંદિરના ટ્રસ્ટી દ્વારા મહુવા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મહુવા ખાતે રહેતા અને મહુવાના કતપર નજીક આવેલા ભવાની માતા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપતા પ્રફુલચંદ્ર દલપતરામ પંડયાએ મહુવા પોલીસ મથકમાં રમેશભારથી અને જયદેવભારથી (બન્ને રહે.ભવાની મંદિર, કતપર ગામ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૯-૧૧થી ૨૫-૦૬ સુધી ભવાની મંદિર કતપર ખાતે સેવાપુજામાં પગારદાર તરીકે રહેલા ઉક્ત રમેશભારથી અને જયદેવભારથી વારા પ્રમાણે મંદિરમાં સેવાપુજાનું કામ કરતા હતા. દરમિયાનમાં મંદિરમાં લગાવવામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા ગત તા.૨૩-૦૪ના રોજ ઉક્ત રમેશભારથી માતાજીના ચાંદીના છત્તર તથા તા.૨૬-૧૨-૨૦૨૪ અને તા.૦૫-૦૧ના રોજ જયદેવભારથી મંદિરના ગર્ભગૃહમાંથી રોકડા રૂપિયા અને માતાજીને ચડાવવામાં આવતી સાડીની ચોરી કરતા જોવામાં આવ્યા હતા. તેમજ ૨૫-૦૬ના રોજ એક ભક્ત દ્વારા માતાજીને ચડાવવામાં આવેલો રૂ.૨૫ હજારનો ચડાવો મંદિરના ટ્રસ્ટમાં કે દાનપેટીમાં જમા કરાવ્યો નહોતો. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.